Get The App

સોસાયટી મનફાવે તેમ કોઈ પણ વ્યક્તિને સભ્યપદે દાખલ કરવાની ના પાડી શકે નહીં: રજિસ્ટ્રારનો ચુકાદો

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
સોસાયટી મનફાવે તેમ કોઈ પણ વ્યક્તિને સભ્યપદે દાખલ કરવાની ના પાડી શકે નહીં: રજિસ્ટ્રારનો ચુકાદો 1 - image


Ahmedabad News: કોઈપણ હાઉસીંગ સોસાયટી સહકારી કાયદાની અને તે સોસાયટીના પેટા નિયમોની જોગવાઈ હેઠળ સભ્ય થવા માટે કાયદાકીય લાયકાત ધરાવતી કોઈપણ વ્યકિતને પોતાના સભ્ય તરીકે દાખલ કરવાની પૂરતા કારણો વિના ના પાડી શકે નહીં. આ મહત્ત્વનો ચુકાદો અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ (હાઉસીંગ) દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં શહેરના સોલા, સાયન્સ સીટી રોડ પર આવેલ ધી એવરેસ્ટ એમ્પાયર્સ કો.ઓ.હા. સર્વિસ સો. લિમાં કાયદાકીય રીતે મકાન ખરીદનાર પિતા-પુત્રીના નામ શેર સર્ટિફિકેટમાં દાખલ નહીં કરવાના સોસાયટીના નિર્ણયને જિલ્લા રજિસ્ટ્રારે ફગાવતાં આ હુકમ કર્યો હતો અને બંને અરજદાર પિતા-પુત્રીના નામ સોસાયટીના સભ્ય તરીકે દાખલ કરી શેર સર્ટિફિકેટમાં પણ તેમના નામ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા 30 દિવસમાં પૂર્ણ કરવા સોસાયટીને હુકમ કર્યો હતો.

આ પણ વાંચોઃ શિવરંજની સોસાયટીમાંથી ડમ્પરો પસાર થતાં રહિશોના જીવને જોખમ

અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રારે પોતાના હુકમમાં ગુજરાત સહકારી કાયદાની વિવિધ જોગવાઇઓ અને નિયમોને ટાંકતાં જણાવ્યું હતું કે, સોસાયટી દ્વારા અરજદારની સભ્યપદ અંગેની અરજી સોસાયટીની વ્યવસ્થાપક સમિતિની પૂર્વ મંજૂરી વિના મકાન ખરીદ્યુ હોવાથી નામંજૂર કરી હતી. પરંતુ સોસાયટી સર્વિસ સોસાયટી હોવાથી તેને મિલકત ખરીદ વેચાણ કરવાની પ્રક્રિયામાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર રહેતો નથી. 

શું હતો કેસ?

આ કેસમાં અરજદાર સહકારી કાયદા કાનૂન અને તેના નોંધાયલા પેટા નિયમોની જોગવાઈઓને આધીન રહીને સભ્યપદ માટે લાયકાત ધરાવતા હોવાનું જણાય છે. આ સંજોગોમાં અરજદારની અપીલ ગ્રાહ્ય રાખી સદર મિલકતના શેર અરજદાર પિતા-પુત્રી પ્રવીણભાઈ જશરૂપચંદ સિંઘવી તથા શિલ્પા પ્રવીણભાઈ સિંઘવીના નામે તબદલિ કરવા અને તેમના નામો સભ્યપદે દાખલ કરવાનો હુકમ કરવો યોગ્ય, વાજબી અને ન્યાયોચિત જણાય છે.

અરજદારપક્ષ તરફથી જિલ્લા રજિસ્ટ્રારનું વિશેષ ધ્યાન દોરાયું હતું કે, ઉપરોકત સોસાયટી હાઉસીંગ સર્વિસ પ્રકારની સોસાયટી છે. સોસાયટીનો હેતું ફક્ત કોમન જગ્યામાં એમેનીટીસ પૂરી પાડવાનો છે. મિલકત ખરીદ-વેચાણમાં દખલ કરવાનો સર્વિસ સોસાયટીનો કોઈ જ પ્રકારનો અધિકાર હોતો નથી. ભારતીય બંધારણ મુજબ પણ કોઇપણ વ્યકિત મિલકત ખરીદીનો અધિકાર ધરાવે છે અને તેને કોઈપણ પ્રકારના અન્ય કાયદા કાનૂન કે પેટાનિયમથી બાધિત કરી શકાય નહી.

આ પણ વાંચોઃ પેટલાદમાં થનગનાટ ગરબાના આયોજકોને બાંધકામ બાબતે જેટકોએ નોટિસ ફટકારી

વળી, જો પૂર્વ મંજૂરી ન મેળવી હોય તો પણ તે એક માત્ર ક્ષતિ કે અનિયમિતતા કહી શકાય. પરંતુ, તેનાથી કોઈપણ વ્યકિતને સહકારના ખુલ્લા સભ્યપદના સિદ્ધાંત મુજબ, સભ્ય પદથી વંચિત રાખી શકાય નહીં.

વ્યકિત પોતાનું મકાન કે પ્લોટ બીજાને વેચવા માંગતી હોય તો સોસાયટી ના પાડી શકે નહીં

અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ(હાઉસીંગ) દ્વારા પોતાના હુકમમાં જણાવ્યું હતું કે, કોઈપણ મંડળી પૂરતા કારણો સિવાય આ અધિનિયમની, નિયમોની અને એવી મંડળીના ઉપનિયમોની જોગવાઈઓ હેઠળ સભ્યપદે માટે યોગ્ય રીતે લાયકાત ધરાવતી કોઇપણ વ્યકિતને સભ્ય તરીકે દાખલ કરવાની ના પાડી શકે નહી. મંડળી કોઈપણ વ્યકિતને સભ્ય તરીકે દાખલ થવા માટેની તેની અરજી મંડળીને મળ્યા તારીખથી ત્રણ મહિનાની મુદતની અંદર કોઈપણ નિર્ણયની જાણ કરે નહીંતર આવી વ્યકિત ત્રણ માસ પછી મુદત પૂરી થયેથી એવી મંડળીનો સભ્ય બની શકે છે એમ ગણાશે. કોઈ વ્યકિતને મંડળીના સભ્ય તરીકે દાખલ કરવાની ના પાડવામાં આવે ત્યારે તે માટેનો નિર્ણય તેના કારણો સાથે એવી વ્યકિતને દાખલ થવા માટે કરેલી અરજી મંડળીને મળ્યા તારીખથી ત્રણ મહિનાની અંદર મંડળીએ તેવી વ્યકિતને લેખિતમાં જણાવવું પડશે.


Tags :