સોશ્યલ મીડિયા અને ઓનલાઈન રિવ્યુને લોકો રેસ્ટોરન્ટ પસંદગીમાં પ્રાથમિકતા આપતા નથી
વડોદરાઃ શનિવાર અને રવિવારની કે પછી તહેવારોની રજાઓમાં હવે રેસ્ટોરન્ટોમાં કે ખાણી પીણીની લારીઓ પર જમવાનું કલ્ચર વ્યાપક બની ગયું છે.વડોદરામાં પણ અન્ય શહેરોની જેમ હજારો રેસ્ટોરન્ટો અને ખાણી પીણીની લારીઓ છે.
વડોદરાવાસીઓ કયા પરિબળોને ધ્યાનમાં રાખીને રેસ્ટોરન્ટોમાં જમવા જાય છે તેના પર એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટેસ્ટિકસવિભાગના એમએસસીના વિદ્યાર્થીઓ આશિષ વાઘેલા,શ્રધ્ધા વૈષ્ણવ, રોહન શુક્લ, વિવેક મકવાણાએ વિભાગના અધ્યાપક ડો.દીપા કંડપાલના માર્ગદર્શન હેઠળ એક સર્વે હાથ ધર્યો હતો અને તેમાં શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચારે હિસ્સામાં રહેતા ૩૪૦ લોકોના અભિપ્રાય લીધા હતા.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, હવે સોશ્યલ મીડિયા પર રેસ્ટોરન્ટોનું પ્રમોશન થાય છે. ગૂગલ સહિતની સાઈટસ પર રેટિંગ પણ જોવા મળે છે.આમ છતા વડોદરાના લોકો હજી પણ રેસ્ટોરન્ટની પસંદગીમાં વર્ડ ઓફ માઉથ એટલે કે ત્યાં જમવા ગયેલા અન્ય લોકોનો શું અભિપ્રાય છે તેને વધારે ધ્યાનમાં લે છે.સર્વેમાં ૪૩ ટકા લોકોએ રેસ્ટોરન્ટ પસંદગી માટે વર્ડ ઓફ માઉથના પરિબળને પ્રાધાન્ય આપ્યું હતું.જ્યારે સોશ્યલ મીડિયાના આધારે રેસ્ટોરન્ટને પસંદ કરનારા લોકોની સંખ્યા ૧૯ ટકા અને ઓનલાઈન રેટિંગના આધારે રેસ્ટોરન્ટની પસંદગી કરનારા લોકોની સંખ્યા ૧૬ ટકા હતી.૨૨ ટકા લોકોએ રેસ્ટોરન્ટોમાં લોકોની ભીડને ધ્યાનમાં લીધી હતી.
સ્વચ્છતા અને સર્વિસ કરતા ભોજનની ગુણવત્તા અગત્યની
દરેક વ્યક્તિનો રેસ્ટોરન્ટમાં જમવા પાછળ સરેરાશ ૩૪૦ રુપિયાનો ખર્ચ
અન્ય મહત્વના તારણો
--૩૪૦ લોકોના અભિપ્રાય લેવાયા હતા અને તેમાં ૫૦ ટકા મહિલાઓ હતી.૨૯ ટકા લોકો ૧૫ થી ૨૪ વર્ષના, ૨૪ ટકા લોકો ૨૫ થઈ ૩૪ વર્ષના, ૨૧ ટકા લોકો ૩૫ થી ૪૪ વર્ષના, ૧૬ ટકા લોકો ૪૫ થી ૫૪ વર્ષના અને ૯ ટકા લોકો ૫૫ થી ૬૪ વર્ષના હતા.
--સર્વેમાં સામેલ કરાયેલા ૨૨ ટકા લોકો વ્યવસાયી, ૩૦ ટકા સ્ટુડન્ટસ, ૧૦ ટકા ગૃહિણી અને ૩૭ ટકા નોકરિયાત હતા.
--૪૦ થી ૫૦ ટકાએ બહારનું ખાવું હોય તો રેસ્ટોરન્ટને પહેલી પસંદ ગણાવી હતી.૨૦ થી ૩૦ ટકાએ ઓનલાઈન ઓર્ડર અને ૧૦ થી ૨૦ ટકા ટેક અવેને પ્રાથમિકતા આપી હતી.
--૭૦ ટકા લોકોએ જમવાનું બજેટ ૬૦૦ રુપિયાથી ઓછું ગણાવ્યું હતું.૩૦ ટકાનું બજેટ ૬૦૦થી વધારે હતું.રેસ્ટોરન્ટમાં જમવા પાછળ એક વ્યક્તિનો સરેરાશ ૩૪૦ રુપિયા અને ઓનલાઈન ઓર્ડર પાછળ સરેરાશ ૪૩૦ રુપિયા ખર્ચ હતો.
--૪૦ ટકા લોકોએ રેસ્ટોરન્ટમાં ભોજનની ગુણવત્તાને, ૨૩ ટકાએ વાનગીઓની કિંમતને, ૨૦ ટકાએ સ્વચ્છતા અને ૧૭ ટકાએ સર્વિસ મહત્વની હોવાનું ગણાવ્યું હતું.તો રેસ્ટોરન્ટના માહોલને જોઈને જમવા જનારાની સંખ્યા આશ્ચર્યજનક રીતે શૂન્ય હતી.
૫૫ વર્ષથી વધુ વયના ૭૩ ટકા લોકો ઓનલાઈન રિવ્યુ જોતા નથી
વિદ્યાર્થીઓના ગાઈડ ડો.કંડપાલનું કહેવું છે કે, રેસ્ટોરન્ટોમાં જતા પહેલા ઓનલાઈન રિવ્યુ ચેક કરનારાઓમાં જનરેશન ગેપ સ્પષ્ટપણે દેખાય છે.જેમ કે ૫૫ વર્ષથી વધારે વયજૂથના ૭૩ ટકા લોકો ક્યારેય રેસ્ટોરન્ટને પસંદ કરવામાં ઓનલાઈન રિવ્યુને ગણતરીમાં લેતા નથી.જ્યારે ૧૫ થી ૨૪ વર્ષના વયજૂથના ૬૮ ટકા લોકો ઘણી વખત અને ૨૫ થી ૩૪ વર્ષના વયજૂથના ૬૧ ટકા લોકો નિયમિત રીતે ઓનલાઈન રિવ્યુ ચેક કરતા હોય છે.