Gujarat

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા

By GS TEAM
13 Apr 20263 mins read
TukuTouch Logo
તાજેતરમાં કર્ણાટકમાં 16થી ઓછી વયના જ્યારે આંધ્ર પ્રદેશમાં 13થી ઓછી વયના બાળકોમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ગોવા પણ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગમાં નિયંત્રણ લાવવા વિચારણા કરી રહ્યું છે. સોશિયલ મીડિયાના વળગણની સ્થિતિ ગુજરાતના બાળકોમાં પણ વકરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા

Social Media Addiction: તાજેતરમાં કર્ણાટકમાં 16થી ઓછી વયના જ્યારે આંધ્ર પ્રદેશમાં 13થી ઓછી વયના બાળકોમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ગોવા પણ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગમાં નિયંત્રણ લાવવા વિચારણા કરી રહ્યું છે. સોશિયલ મીડિયાના વળગણની સ્થિતિ ગુજરાતના બાળકોમાં પણ વકરી રહી છે.

સો.મીડિયાના વળગણ ધરાવતા દર્દીઓ કિશોર તથા યુવા વયના

જેમ દારૂ કે ડ્રગ્સની લત ધરાવનારો તેના સેવન કર્યા વિના બેચેની અનુભવવા લાગે તેવી જ સ્થિતિ સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા આ દર્દીઓ ધરાવે છે. સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા આ દર્દીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સોશિયલ મીડિયાનું વળગણ દૂર કરવા માટે અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં ડીએડિકશન સેન્ટરની જ વાત કરવામાં આવે તો તેમાં આવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 2021-22માં 116 દર્દીઓ ડિજિટલ ડિટોક્સ સેન્ટરમાં આવતા હતા અને તે સંખ્યા 2025-26માં વધીને 661 થઈ ગઈ છે. આ તો માત્ર સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલનો આંકડો છે. ખાનગી માનસિક આરોગ્ય હોસ્પિટલને આવરી લેવાય તો આંકડો બે હજારથી પણ વધી શકે છે.

આ અંગે ગવર્મેન્ટ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના સુપ્રિટેન્ડન્ટ ડો. અજય ચૌહાણે જણાવ્યું કે, 'અમારે ત્યાં આવતા દર્દીઓ મોબાઈલના વળગણને કારણે સતત ગુસ્સો આવવો, ચીડિયાપણું, અધીરાપણું આવી જવું વિવિધ સમસ્યા ધરાવે છે. સોશિયલ મીડિયાના વળગણ માટે આવતા મોટાભાગના દર્દીઓ કિશોર કે યુવાન વયના છે. આ દર્દીઓને થોડા-થોડા સમયના અંતરે સોશિયલ મીડિયા નહીં થવાથી બેચેની થવા લાગે છે. કેટલાક કિશોરો-યુવાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત કરવાથી ટોકવા બદલ માતા-પિતા પ્રત્યે વધુ આક્રમક થઈ ગયા હોય તેવી સમસ્યા સાથે પણ આવે છે. દર્દીઓને મનોચિકિત્સકોના વિવિધ સેશનથી તેમને સારવાર અપાય છે.'


આ પણ વાંચો: અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ

બાળકોમાં સોશિયલ મીડિયા વળગણ માટે માતા-પિતા પણ જવાબદાર

બાળકોમાં સોશિયલ મીડિયાનું વળગણ વધી રહ્યું છે તેના માટે માતા-પિતા પણ મહદઅંશે જવાબદાર છે. નાનું બાળક ભોજન લઈ ન રહ્યું હોય તો તેને મોબાઈલ પકડાવી દેવામાં આવતું હોય છે. આ જ રીતે બાળક પોતાની રીતે મોબાઈલમાં યુ ટ્યુબ જોતું હોય કે રીલ્સ બનાવવા લાગે તો માતા-પિતા ગર્વ અનુભવે અને તેને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ પણ શરૂ કરાવી આપે છે. માતા-પિતા દ્વારા આ જ બધી આદતો આગળ જતાં બાળકો માટે વ્યસન બની જાય છે. નાનું બાળક સાથે હોય ત્યારે માતા-પિતાએ પોતે મોબાઈલ જોવાને બદલે તેની સાથે વાતો કરવી જોઈએ કે રમવું જોઈએ.

સોશિયલ મીડિયાના વળગણથી દૂર રહેવા શું કરવું?

•મોબાઈલમાં એવું ટાઈમર મૂકો જેથી આકલન થઈ શકે કે કઈ એપનો કેટલો ઉપયોગ થાય છે.

•ફોન, ટેબ્લેટ, લેપ ટોપનો બેડ રૂમ કે ડાઈનિંગ ટેબલ પર ઉપયોગ કરવો નહીં.

•પ્રોફેશનલી સોશિયલ મીડિયામાં સક્રિય રહેવું પડતું હોય તો અલગ વાત છે. પરંતુ આ સિવાયની વ્યક્તિએ સોશિયલ મીડિયા એપ જોવા માટે અમુક નિશ્ચિત સમય નક્કી કરી દેવો જોઈએ.

•સ્પોર્ટ્સ, ચિત્ર-સંગીત, પુસ્તક વાંચન, કુકિંગ જેવી મનગમતી પ્રવૃત્તિ પાછળ વધુ સમય ફાળવો.

•બાળક મોબાઈલને વધુ સમય આપતું હોય તો તેની સાથે શક્ય તેટલો વધારે સંવાદ કરો.