Get The App

વડોદરામા ત્રણ સ્થળે તસ્કરો ત્રાટક્યા: વડસર રોડ ઉપર ભંગારની વખાર પણ ના છોડી

- વાઘોડિયા રોડ ઉપર ફેબ્રીકેશન અને હાર્ડવેરની દુકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી

Updated: Nov 24th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરામા ત્રણ સ્થળે તસ્કરો ત્રાટક્યા: વડસર રોડ ઉપર ભંગારની વખાર પણ ના છોડી 1 - image


વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

વડોદરા શહેરમાં તસ્કરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. દિનપ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસની નાઈટ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા કરી રહ્યા છે વિતેલા 24 કલાક દરમિયાન વડોદરા શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળે ચોરી થયાની ફરિયાદ અલગ અલગ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા મહેશકુમાર લાહોટી વડસર રોડ ઉપર આવેલી નંદીગ્રામ સોસાયટીની બાજુમાં ભવ્ય મેટલ નામની ભંગારની વખાર ધરાવે છે. સાંજે વખાર બંધ કરી ગયા બાદ બીજા દિવસે સવારે પરત આવતાં શટરના તાળા તૂટેલા હતા અને વખારમાંથી તાંબુ, પિત્તળ, સ્ટીલ, એલ્યુમિનિયમ તથા લોખંડના આશરે 1800 કિલોના 1.70 લાખની કિંમતના સરસામાનની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. 

આ ઘટના સપ્ટેમ્બર મહિના દરમિયાન ઘટી હતી. જોકે ફરિયાદી વતન રાજસ્થાન ગયા હોય પરત આવતા ફરિયાદ નોંધાવી હતી. બીજા બનાવમાં સોમા તળાવ વિસ્તારમાં રહેતા હિરેનભાઈ રાજપુત વાઘોડીયા રોડ ખાતે આશાપુરા ફેબ્રીકેશન નામની દુકાન ધરાવે છે. 

સાંજે તેઓ દુકાનને લોક કરી ઘરે ગયા બાદ બીજા દિવસે સટરના લોક તૂટેલા જણાઇ આવ્યા હતા. તપાસ દરમિયાન દુકાનમાંથી કટર મશીન , ગ્રેન્ડર મશીન, હેમર મશીન ,હેન્ડ ડ્રીલ મશીન, વર્ટિકલ ડ્રીલ મશીન, લોખંડ નો લાગ, હથોડી સહિતનો સર સામાન મળી કુલ 32,950 ની મત્તાની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. 

આ ઘટના મે મહિના દરમિયાન ઘટી હતી .જોકે તે સમયે ફરિયાદીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ ખાતે રહેતા એમાં રામ ચૌધરી વૃંદાવન ચાર રસ્તા નજીક ન્યુ ભવાની ઇલેક્ટ્રિકલ એન્ડ હાર્ડવેર નામની દુકાન ધરાવે છે.

12મી નવેમ્બર ના રોજ તેઓ રાબેતા મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા બાદ પાડોશીએ જાણ કરી હતી કે તમારી દુકાન ખુલ્લી છે અને અજાણ્યા વ્યક્તિ ટેમ્પોમાં સામાન ભરી રહ્યા છે. જેથી તેઓ તાબડતોબ દુકાને દોડી ગયા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે અજાણ્યા તસ્કરો ડુપ્લિકેટ ચાવી વડે શટર ખોલી રૂપિયા 16 નંગ પંપ, કટઓફ મશીન, ગેસનો બાટલ, દોરડા સહિત રૂપિયા 84,600ની કિંમતનો સરસામાન ચોરી થઈ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

Tags :