Gujarat

રાયપુરના મકાનમાં પરિવાર સૂતો રહ્યોને તસ્કરો ૧.૬૫ લાખની ચોરી કરી ફરાર

By GS TEAM
8 Aug 20252 mins read
રાયપુરના મકાનમાં પરિવાર સૂતો રહ્યોને તસ્કરો ૧.૬૫ લાખની ચોરી કરી ફરાર

ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ યથાવત

સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી લેવામાં આવી ઃ ડભોડા પોલીસ દ્વારા તપાસ શરૃ કરાઈ

ગાંધીનગર  : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાયપુર ગામમાં ગઈ રાત્રે પરિવાર સૂતો હતો તે દરમિયાન તસ્કરોએ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૬૫ લાખ રૃપિયાની મત્તા ચોરી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે હાલ ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારો પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ગાંધીનગર શહેર નજીક આવેલા રાયપુર ગામમાં ઘરફોડ ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાયપુર ગામમાં રહેતા જ્યોત્સનાબેન બળદેવજી ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે તેઓ તેમના બાળકો સાથે ઘરમાં સૂઈ રહ્યા હતા અને તેમના સસરા ઘરની બહાર સૂતા હતા. આ દરમિયાન વહેલી સવારે તેમના સસરા ઘરમાં આવ્યા હતા ત્યારે ઘરમાં તસ્કરો ત્રાટક્યા હોવાનું જણાયું હતું. કેમકે રસોડાની બારીની ગ્રીલ તૂટેલી હતી અને તિજોરી પણ ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. જેના પગલે તિજોરીમાં તપાસ કરતાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૬૫ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને અજાણ્યા તસ્કરોની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. હાલ ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી શરૃ થયેલી ચોરીની ઘટનાઓને પગલે લોકોમાં ફાફડાટ ફેલાયો છે.