ઝુંડાલના મકાનમાં તસ્કરો ત્રાટકયા રૃપિયા ૩.૭૦ લાખની મત્તાની ચોરી
ગ્રામ્ય વિસ્તારમાં પણ તસ્કરોનો તરખાટ યથાવત
એક જ કલાક માટે બંધ રહેલા મકાનમાં ચોરી થઈ ગઈ ઃ અડાલજ પોલીસ દ્વારા તસ્કરોની શોધખોળ
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ઝુંડાલમાં આવેલા કલ્પતરુ પાર્કમાં એક જ કલાક માટે બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૩.૭૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે આ વખતે ઝુંડાલમાં આવેલા કલ્પતરુ પાર્કમાં ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે અહીં રહેતા વિજયકુમાર નાગીનભાઈ ભાખરીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ગત ૨૨ જૂનના રોજ તેમની માતા પાર્વતીબેન ભાખરીયા તેમના વતનમાં ગયા હતા અને તેમના નાના ભાઈની પત્ની નીતાબેન રાજેશકુમાર તેમની દીકરીઓના ચોપડા લેવા ચાંદખેડા ગયા હતા. આ દરમિયાન તેમના પાડોશીએ તેમને જાણ કરી કે તેમના માતાના મકાનનું તાળું તૂટેલું છે. જેના પગલે તેઓ તુરંત જ ઘરે પહોંચી ગયા હતા અને જોયું તો મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને રસોડામાં રાખેલા ડબ્બામાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ગાયબ હતી. દાગીના અને રોકડ રકમ મળીને કુલ ૩.૭૦ લાખ રૃપિયાની મત્તાની ચોરી કરી લેવામાં આવી હતી. જોકે આ ચોરીની ઘટના સંદર્ભે ઘરે અને આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ ચોરોનો કોઈ પતો નહીં લાગતા તેમણે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે. જેને લઇ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે.