રાંધેજાના મકાનમાં તસ્કરો ત્રાટક્યા ૮.૮૯ લાખના દાગીનાની ચોરી
ગ્રામ્ય વિસ્તારમાં ફરી તસ્કરોને તરખાટ શરૃ
પરિવાર ઉપરના માળે ઊંઘી રહ્યો હતો તે દરમિયાન બારીની ગ્રીલ કાપી તસ્કરો પ્રવેશ્યા ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે રાંધેજામાં પરિવાર ઉપરના માળે સુઈ ગયો હતો તે દરમિયાન બારીની ગ્રીલ કાપીને અંદર પ્રવેશેલા તસ્કરો ૮.૮૯ લાખના દાગીના ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે હાલ પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
ગાંધીનગરમાં આમ તો શિયાળાની ઠંડી દરમિયાન રાત્રિના સમયે ઘરફોડ ચોરીના બનાવો વધતા હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી હવે ગ્રામ્ય વિસ્તારમાં મકાનોને નિશાન બનાવતી ટોળકી સક્રિય થઈ ગઈ છે ત્યારે ગઈકાલે રાત્રે રાંધેજા ગામમાં વધુ એક ચોરીની ઘટના બહાર આવવા પામી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાંધેજામાં આવેલી મારુતિ નંદન સોસાયટીમાં રહેતા અને ટીસીએસ ગરીમા પાર્કમાં કામ કરતા સાજન નેપોલિયન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે રાત્રે તે તેમના પરિવાર સાથે ઉપરના માળે સુઈ ગયા હતા અને સવારના સમયે નીચે આવીને જોતા ઘરનો સામાન અસ્તવ્યસ્ત હાલતમાં હતો અને બેડરૃમમાં બારીનો સળીયો કાપેલી હાલતમાં હતો. જેથી તેમને ઘરમાં ચોરી થઈ હોવાનો અંદાજ આવી ગયો હતો અને આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પેથાપુર પોલીસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી. જ્યાં ઘરમાં તપાસ કરતાં બેગમાંથી અલગ અલગ સોના અને ચાંદીના દાગીના તેમજ ડાયમંડની બુટ્ટી મળીને કુલ ૮.૮૯ લાખ રૃપિયાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે હાલ પેથાપુર પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી શરૃ થયેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે.