રાંધેજાના મકાનમાં વહેલી પરોઢે તસ્કરો ત્રાટક્યા ઃ ૨૯.૭૧ લાખની ચોરી
ગાંધીનગરમાં તસ્કરોનો વધતો જતો તરખાટ
વસાહતમાં જ અન્ય એક મકાનમાંથી પણ ૫૦ હજાર રોકડા ચોરી લેવામાં આવ્યા ઃ પોલીસની દોડધામ
ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા
સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આ સ્થિતિમાં વધી રહેલી આ ચોરીની
ઘટનાઓ વચ્ચે શહેર નજીક આવેલા રાંધેજામાં આજે વહેલી પરોઢે તસ્કરો ત્રાટક્યા હતા અને
અહીં જય મહાદેવ સોસાયટીમાં રહેતા અને નજીકમાં જ દુકાનમાં દૂધનો વેપાર કરતા
કુંતલકુમાર ભુપેન્દ્રભાઈ પટેલના મકાનમાં તસ્કરો ત્રાટયા હતા. જે ઘટના સંદર્ભે
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગઈકાલે રાત્રે કુંતલભાઈ અને તેમની પત્ની
દક્ષાબેન સુઈ ગયા હતા અને આજે વહેલી પરોઢે
બંને દુકાન ઉપર જવા માટે નીકળ્યા હતા અને ઘરને તાળું માર્યું હતું. સવારે ૫ વાગે
તેમના પત્ની દુકાનેથી ઘરે પાછા ફરતા તેમણે જોયું કે ઘરનું તાળું તૂટેલું હતું અને
ચોરી થઈ હોય તેમ લાગતું હતું. જેથી કુંતલકુમાર તાત્કાલિક ઘરે પહોંચ્યા અને જોયું
કે મુખ્ય દરવાજાના હેન્ડલનો નકુચો તૂટેલો હતો. ઘરમાં તપાસ કરતા સામાન અસ્તવ્યસ્ત પડેલો
હતો. દાગીના અને રોકડ મળીને તસ્કરો ૨૯.૨૧ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા
હતા તો સોસાયટીમાં રહેતા ધીરજ વિષ્ણુભાઈ પટેલના મકાનમાંથી પણ વહેલી સવારે ૫૦
હજારની રોકડ ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઘટના અંગે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.