Gujarat

પેથાપુરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી ૬.૪૦ લાખની ચોરી

By GS TEAM
21 Nov 20252 mins read
પેથાપુરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા  બંધ મકાનમાંથી ૬.૪૦ લાખની ચોરી

ગ્રામ્ય વિસ્તારમાં ફરી તસ્કરોએ દેખા દીધી

અડધા જ કલાક દરમિયાન મકાનનું તાળું તોડીને સોના ચાંદીના દાગીના ચોરી લેવામાં આવ્યા ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા પેથાપુરમાં ધોળા દિવસે ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. પેથાપુર-મહુડી રોડ પર રહેતા એક ભંગારના વેપારીના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો લાખો રૃપિયાના દાગીના ચોરી ફરાર થઈ ગયા છે. જો સંદર્ભે હાલ પેથાપુર પોલીસ દ્વારા ૬.૪૦ લાખની ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

શિયાળો શરૃ થતાની સાથે ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે પેથાપુરમાં દિવસ દરમિયાન ચોરીની ઘટના બહાર આવી છે. ફક્ત અડધો કલાક દરમિયાન બંધ રહેલા મકાનમાંથી લાખો રૃપિયાના દાગીના ચોરાયા છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના ભીલવાડાના અને હાલ પેથાપુર-મહુડી રોડ પર શ્રીપર્ણી પાર્લરની સામે પતરાની ઓરડીમાં રહેતા મેવારામ બાલુજી ગુર્જર ભંગારનો વ્યવસાય કરે છે. ગત રવિવારે બપોરે મેવારામ તેમના સંબંધીની સારવાર માટે અડાલજ હોસ્પિટલ જવા નીકળ્યા હતા. તે જ સમયે તેમના પત્ની નારાયણીબેન પણ ઘર બંધ કરીને પેથાપુર બજારમાં ખરીદી કરવા ગયા હતા. બપોરે અડધો કલાક બંધ રહેલા મકાનમાં તસ્કરો ઘૂસ્યા હતા અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળી ૬.૪૦ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જ્યારે નારાયણીબેન બજારમાંથી પરત આવ્યા ત્યારે તેમણે તિજોરી ખુલ્લી અને સામાન વેરવિખેર જોતા પતિને જાણ કરી હતી. જોકે શરૃઆતમાં તેમને કોઈ પરિચિત ઉપર શંકા ગઈ હતી પરંતુ આ ચોરી અંગે કોઈ ભાળ નહીં મળતા પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો તપાસ હાથ ધરી હતી