Get The App

પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી 1 - image


ગાંધીનગરમાં તસ્કરોના વધી રહેલા ફેરા

મેડિકલ સ્ટોર અને લોન્ડ્રીની દુકાનનું તાળું તોડીને તેમાંથી રોકડ રકમ ચોરી લીધી ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર આસપાસ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે પેથાપુરમાં એક જ રાતમાં તસ્કરો દ્વારા બે દુકાનના તાળા તોડવામાં આવ્યા હતા અને તેમાંથી ૩૮ હજારની મત્તા ચોરી લેવામાં આવી હતી. જે સંદર્ભે હાલ એક મહિના પછી દુકાન માલિકો દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર માં આમ તો શિયાળા દરમિયાન ઘરફોડ ચોરીના બનાવો વધતા હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી દિવસ અને રાત્રિના સમયે ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિમાં પેથાપુરમાં આવેલી બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હોવાનું બહાર આવ્યું છે. પેથાપુરમાં રહેતા અને ગામમાં આવેલી શ્લોક પેરેડાઈઝમાં લોન્ડ્રીની દુકાન ચલાવતા અમરભાઈ છોટેલાલ ધોબી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, ગત પાંચ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે તેઓ તેમની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને ત્યારબાદ સવારના સમયે તેમના મિત્ર ગજેન્દ્રસિંહ સુરેશસિંહ ડાભીનો ફોન આવ્યો હતો અને તેમણે તેમની દુકાનનું તાળું તૂટેલી હોવાની જાણ કરી હતી. જેના પગલે અમરભાઈ તુરંત જ દુકાન પર પહોંચ્યા હતા અને જોતા દુકાનનું શટર તૂટેલું હતું અને દુકાની અંદર ડ્રોવરમાં તપાસ કરતા ૨૮ હજારની ચોરી થઈ હોવાનું જણાયું હતું. એટલું જ નહીં બાજુમાં અજયકુમાર હસમુખભાઈ દરજી દ્વારા ચલાવવામાં આવતા મેડિકલ સ્ટોરનું પણ તાળું તૂટયું હતું અને તેમાંથી ૧૦ હજાર રૃપિયાની રોકડ ચોરાઈ હોવાનું પણ બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે હવે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગરમાં વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે.

Tags :