હનુમાન મંદિરમાંથી ચાંદીના આભૂષણો, રોકડ ઉઠાવી ગયા
પૂજારી રૂમમાં નિંદ્રાધીન થવા સાથે રાત્રિના 12 પછી પ્રવેશી લાઈટો બંધ કરી આપ્યો અંજામ, સીસી ટીવીનું ડીવીઆર પણ લઈ ગયા
ઊનાથી સાત કિમી દૂર ચાંચકવડ ગામની સીમમાં મચ્છુન્દ્રી નદીના કાંઠે બ્રહ્મલીન મૌની સંત સત્યાનંદ સરસ્વતી બાપુનો તપોવન આશ્રમ અને પ્રાચીન હનુમાનજીનું મંદિર આવેલું છે. ઊના-ગીરગઢડા તાલુકાના લોકો માટે આસ્થાના કેન્દ્ર સમી ધામક જગ્યા છે. ૧૬ વર્ષથી સેવા પૂજા કરતા મંદિરના પૂજારી અને મેનેજીંગ ટ્રસ્ટી નટુભાઈ કરશનભાઈ દેવમુરારી શનિવારે રાત્રિના ૧૨ પછી પોતાના રૂમમાં સુઈ ગયા હતા. તેઓ સવારે વહેલા ઉઠી બાપુની ચરણ પાદુકા રાખેલ રૂમમાં દર્શન કરવા જતાં બધું વેરવિખેર અને મંદિરના દરવાજાના તાળા, નકુચા તૂટેલા જોવા મળ્યા હતા. મંદિરની પાછળ આવેલી રૂમની બારીની લોખંડની ગ્રીલ પણ કપાયેલી જોવા મળી હતી. તસ્કરોએ મોડી રાત્રિના આશ્રમમાં ત્રાટકી મંદિર અને પરિસરની લાઈટો બંધ કરી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી હનુમાનજીની મૂત ફરતી ચડાવેલી ૧ કિલો ૨૫૦ ગ્રામની ચાંદીની ફ્રેમ, ચાંદીનો મુગટ, ચાંદીની રૂદ્રાક્ષની નાની-મોટી માળા નંગ ૪, ચાંદીની નાની-મોટી ગદા નંગ ૨ મળી કુલ ૧૦ કિલો ચાંદીના આભૂષણો તેમજ દાનપેટી તોડી તેમાંથી ૨૦ હજારની રોકડ મળી કુલ રૂપીયા નવ લાખથી વધુની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તસ્કરો એટલા શાતીર હતા કે, કોઈ પગેરૂ ન રહે તે માટે વાયર તોડી સીસી ટીવી કેમેરાનું ડીવીઆર પણ લઈ ગયા હતા. આ અંગે પુજારીએ પોલીસમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચાંદીની વર્તમાન કિંમતને બદલે જૂની કિંમત ગણી હોવાનું પુજારીએ જણાવ્યું હતું.
ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી પોલીસ તપાસ શરૂ
ચોરીની ઘટના અંગે પોલીસને પુજારીએ જાણ કરતા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી, પીઆઈ એન.બી.ચૌહાણ સ્ટાફ સાથે આશ્રમ ખાતે દોડી ગયા હતા. ચોરીનો ભેદ ઉકેલવા અને તસ્કરોનું પગેરૂ મેળવવા ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમની મદદથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તસ્કરોએ અગાઉ રેકી કરી સંપૂર્ણ જાણકારી મેળવી હતી
આશ્રમમાં ચોરીને અંજામ આપવા તસ્કરોએ પહેલા રેકી કરી સંપૂર્ણ જાણકારી મેળવી હોવાનું તેમજ નદીમાંથી આશ્રમ તરફ આવેલા હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે.
વર્ષ ૧૯૮૨માં મંદિરમાં થયેલી ચોરીનો ભેદ હજુ અણઉકેલ
આજ હનુમાનજી મંદિરમાં અગાઉ વર્ષ ૧૯૮૨માં ચોરી થઈ હતી અને હજુ સુધી તેનો ભેદ અણઉકેલ છે. હવે આ મોટી ચોરીનો ભેદ પોલીસ તુરંત ઉકેલે અને તસ્કરોને પકડી પાડે તેવી ભકતોમાંથી માંગ ઉઠી છે.


