Gujarat

આણંદના સરદાર ગંજમાં તસ્કરોનો તરખાટ : 15 થી વધુ દુકાનોના તાળા તોડી ચોરી

By GS TEAM
27 Aug 20252 mins read
આણંદના સરદાર ગંજમાં તસ્કરોનો તરખાટ : 15 થી વધુ દુકાનોના તાળા તોડી ચોરી

- પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ

- રોકડ અને માલ-સામાન લઈ તસ્કરો ફરાર : બે બુકાનીધારી શખ્સો સીસીટીવીમાં કેદ : પોલીસની ગુનો દાખલ કરવા તજવીજ

આણંદ : આણંદ શહેરના સરદાર ગંજ વિસ્તારમાં આવેલી ૧૫થી ૧૭ જેટલી દુકાનોના એક જ રાત્રિમાં તસ્કરોએ તાળા તોડી તરખાટ મચાવતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. તસ્કરો દુકાનોમાંથી રોકડ, માલ- સામાનની ચોરી કરી લઈ ગયા હતા. કેટલી દુકાનોમાંથી કેટલી રકમની ચોરી થઈ તે અંગે સત્તાવાર જાણકારી મળી નથી. દુકાનોના સીસીટીવી ફૂટેજમાં બે બુકાની ધારી તસ્કરો ચોરી કરતા કેમેરામાં કેદ થયા હતા.

આણંદ શહેરની મધ્યમાં આવેલા સરદાર ગંજ વિસ્તારમાં ગઈકાલ રાત્રિના સુમારે તસ્કર ટોળકી ત્રાટકી હતી. તસ્કરોએ સરદાર ગંજ વિસ્તારમાં આવેલી ૧૫થી ૧૭ જેટલી દુકાનોના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી અંદરથી માલ- સામાન તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 

બીજા દિવસે સવારે વ્યાપારીઓ પોતાની દુકાન ખાતે પહોંચતા તેમણે દુકાનોના તાળા તૂટેલા જોયા હતા. 

તપાસ કરતાં આ વિસ્તારમાં ત્રાટકેલી તસ્કર ટોળકીએ ૧૫થી ૧૭ જેટલી દુકાનોને નિશાન બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિકોએ તુરંત જ આ અંગે આણંદ શહેર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 

પોલીસે કેટલીક દુકાનો બહાર લગાવેલા સીસીટીવીના ફૂટેજ મેળવી તપાસ કરતા બે બુકાની ધારી શખ્સો ચોરી કરતા કેમેરામાં કેદ થયા હતા. 

જોકે હજી સુધી કેટલી દુકાનોમાં ચોરી થઈ તે અંગે ચોક્કસપણે જાણી શકાયું નથી. બીજી તરફ એક જ રાત્રિમાં ૧૫થી ૧૭ જેટલી દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કરતા પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હાલ તો પોલીસે આ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.