Get The App

રાયસણના સાગરવિલાના મકાનમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૧૩.૧૫ લાખની ચોરી

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
રાયસણના સાગરવિલાના મકાનમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૧૩.૧૫ લાખની ચોરી 1 - image


ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ સમતો નથી

પરિવાર સુઈ રહ્યો હતો ત્યારે ઘરમાં ઘૂસેલા તસ્કરે દાગીના અને રોકડ ચોરી લીધા ઃ અન્ય એક મકાનને પણ નિશાન બનાવ્યું

ગાંધીનગર :  ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે ત્યારે રાયસણમાં આવેલા સાગરવિલા સોસાયટીમાં ગત રાત્રિએ તસ્કર પ્રવેશ્યો હતો અને મકાનના ઉપરના માળેથી રોકડ અને દાગીના મળીને ૧૩.૧૫ લાખની મત્તા ચોરી લીધી હતી. આ ઉપરાંત અન્ય એક મકાનને પણ તેણે નિશાન બનાવ્યું હતું. હાલ આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર આસપાસ વિસ્તારને પણ તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે રાયસણમાં આવેલી સાગરવિલા સોસાયટીમાં રહેતા અને કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરતા જીતેન્દ્રકુમાર પરસોત્તમદાસ પટેલના મકાનમાં પણ ચોરીની ઘટના બનવા પામી છે. જે સંદર્ભે તેમણે ફરિયાદ આપી હતી કે, ગઈકાલે તેમના ઉપરના માળે આવેલા રૃમમાં એસીની તકલીફ થઈ હોવાથી પરિવાર નીચે સૂઈ રહ્યો હતો આ દરમિયાન સવારના સમયે તેમનો પુત્ર રાજ ઉપરના રૃમના બેડરૃમમાં નાહવા માટે ગયો હતો તે દરમિયાન તેણે સામાન વેરવિખેર હાલતમાં જોયો હતો અને તેના પગલે પરિવારને જાણ કરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. ઘરમાંથી ૫ લાખ રૃપિયા રોકડા અને ૮.૧૫ લાખ રૃપિયાના દાગીના ચોરાયા હતા. જેના પગલે જીતેન્દ્રકુમાર દ્વારા તુરંત જ ઇન્ફોસિટી પોલીસના જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૃ કરી હતી. દરમિયાનમાં સીસીટીવીની તપાસ કરતા ગત મોડી રાત્રે એક તસ્કર સોસાયટીની દિવાલ કૂદીને અંદર આવતો અને ત્યારબાદ બહાર જતો જણાયો હતો. આ ઉપરાંત સોસાયટીમાં આવેલા છ નંબરના પ્લોટમાં પણ ચોરીની ઘટના બનવા પામી હતી. હાલ તો ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

Tags :