Gujarat

વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી

By GS TEAM
23 Mar 20261 min read
વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી

Vadodara Theft Case : વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. ધનિયાવી રોડ પર બ્લીસ ફાર્મની બાજુમાં આવેલ વી.સી. ઓડિયો નામના ડીજે ગોડાઉનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. 

ફરિયાદી જશવંતસિંહ સોલંકી (રહે-ભાથુજીનગર, અલ્વાનાકા, માંજલપુર) ભાગીદારીમાં ડીજે બનાવવાનો વ્યવસાય કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, તા.16 માર્ચે ગોડાઉન રાબેતા મુજબ બંધ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે ગોડાઉનમાં કામ કરતા કર્મચારીને કેટલાક સામાન ગુમ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

વધુ તપાસ કરતા ગોડાઉનના પાછળના ભાગે આવેલ પતરાનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ગોડાઉનમાંથી એમ્પ્લીફાયર, સાઉન્ડ લિમિટર, ખંજરી તથા ઈલેક્ટ્રીક વાયરો સહિત કુલ રૂ. 1,39,800 કિંમતનો સામાન ચોરી ગયાનો ખુલાસો થયો હતો. ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.