Get The App

ગાજણવાવ ગામમાં ધોળા દિવસે ચોરી કરતો તસ્કર ઝડપાયો

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
ગાજણવાવ ગામમાં ધોળા દિવસે ચોરી કરતો તસ્કર ઝડપાયો 1 - image

વાડીમાં ચોરી કરવા આવેલા બે તસ્કર નાશી છુટયા

ધ્રાંગધ્રા પંથકમાં ધોળા દિવસે ખેતરમાં ચોરીનો બનાવ બનતા ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ

ધ્રાંગધ્રા -  ધ્રાંગધ્રા પંથકમાં શિયાળાની ઠંડીની શરૃઆત સાથે જ તસ્કરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. તાલુકાના ગાજણવાવ ગામે તસ્કરો રાતના બદલે ધોળા દિવસે ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરો પૈકી એકને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડયો હતો.

સવારના સમયે ત્રણ શખ્સો એક વાડીમાં આવેલી ઓરડીનું તાળું તોડી પાણીની મોટર અને ઓઈલની ચોરી કરી રહ્યા હતા. આ સમયે ખેત મજૂરોની સતર્કતાને કારણે ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોના ટોળાને જોઈ બે તસ્કરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જ્યારે એક શખ્સ પકડાઈ ગયો હતો. ગ્રામજનોએ આ તસ્કરને મેથીપાક ચખાડી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. દિનદહાડે બનેલી આ ઘટનાથી પંથકના ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનામાં પોલીસની નક્કર કામગીરીના આભાવે તસ્કરો હવે રાતના બદલે ધોળા દિવસે પણ ચોરી કરવાની હિંમત કરી રહ્યા છે.