સુરત પાલિકામાં મલાઈદાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટે બોગસ પુરાવાની ફરિયાદ બાદ શ્રમ વિભાગ પાસે ક્રોસ વેરીફેકેશન મેળવાશે
Surat Corporation : સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ખદબદી રહેલી ગંદકી બાદ શિક્ષાત્મક બદલી કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં પણ પગલાં ભરાશે તેવી શક્યતા છે. ત્યારબાદ હવે પાલિકાના સિક્યોરિટીના કામમાં પણ કૌભાંડ થયું હોવાની ગંભીર ફરિયાદ થઈ છે તેમાં બોગસ પુરાવા રજુ કરનારી એજન્સીના પુરાવા ક્રોસ વેરીફીકેશન માટે કવાયત થઈ રહી છે. ફરિયાદમાં તથ્ય હોવાથી પાલિકાના અધિકારીઓની ભૂમિકા સામે પણ પ્રશ્નો ઉભા થયાં છે.
સુરત પાલિકામાં હાલ સિક્યુરિટીની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે પરંતુ હવે આ સમસ્યા અને વિવાદ ઘટાડવા માટે સિક્યુરિટી એજન્સી માટે જે નવા ટેન્ડર માટે કડક શરતો દાખલ કરવામાં આવી હતી. સિક્યુરિટી એજન્સીના નવા ટેન્ડર માટે 300 ગાર્ડના ઈપીએફ અને 3 વર્ષના રેકર્ડ એજન્સીએ આપવાના રહેશે તેવા નિયમોનો પણ ઉલ્લેખ કરવા સાથેના નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ મલાઈદાર કોન્ટ્રાક્ટ માટે ક્વોલિફાઇડ થયેલ કુલ 9 પૈકી 3 એજન્સી દ્વારા બોગસ સર્ટીફિકેટના આધારે શ્રમ વિભાગનું લાઇસન્સ મેળવ્યું હોવાનું તથા રીન્યુ કરાવ્યું હોવાની પુરાવા સાથે ફરિયાદ મ્યુનિ. કમિશનરને કરવામાં આવી હતી. 10 દિવસ પહેલા પુરાવા સાથેની ફરિયાદને આધારે તપાસ દરમિયાન કેટલીક ગોબાચારી બહાર આવી છે.
પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા તેમાં 23 એજન્સીએ ટેન્ડર ભર્યા હતા. ટેન્ડરની સ્કુટીની બાદ 9 એજન્સી ક્વોલિફાય થઈ હતી. આ 9 એજન્સી પૈકી 3 એજન્સીએ બોગસ ડોક્યુમેન્ટસના આધારે શ્રમ વિભાગના લાયસન્સ મેળવવા-રીન્યુ કરવાના પુરાવા સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર એમ.કે સિક્યુરીટી, શક્તિ સિક્યુરીટી અને શક્તિ પ્રોટેક્શન ફોર્સ પ્રા.લિ. સામે બોગસ ડોક્યુમેન્ટ સોને આધારે લાયસન્સ મેળવ્યા હોવાની ફરિયાદ થઈ છે. મ્યુનિ. કમિશનર સામે પુરાવા સાથે થયેલ ફરિયાદને આધારે સંલગ્ન વિભાગ દ્વારા પ્રારંભિક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસમાં જ ફરિયાદમાં તથ્ય જણાયું છે. પુરાવા સાથે મનપા દ્વારા શ્રમ વિભાગને થયેલ ફરિયાદ સાથેનો પત્ર ખરાઇ માટે મોકલી આપવામાં આવ્યો છે.
ફરિયાદમાં તથ્ય હોવાનું બહાર આવ્યું છે ત્યારે શ્રમ વિભાગના પત્ર આવ્યા બાદ બોગસ પુરાવા ઉભી કરનાર એજન્સી સામે પોલીસ ફરિયાદ સુધીના પગલાં ભરવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. જોકે, આ કિસ્સામાં પાલિકાના અધિકારીઓની પણ ભુમિકા શંકાસ્પદ હોવાનું કહેવાઈ રહ્યું છે જેના કારણે આરોગ્ય વિભાગ બાદ આ વિભાગ સામે પણ તવાઇ આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.