Gujarat

કોન્સ્ટેબલના રૃા.૧૫ લાખના તોડકાંડ અને દારૃની તપાસ પીઆઇ કરશે ઃ સાજણના મોબાઇલનો ડેટા મેળવાયો

By GS TEAM
31 Jul 20252 mins read
કોન્સ્ટેબલના રૃા.૧૫ લાખના  તોડકાંડ અને દારૃની તપાસ પીઆઇ કરશે ઃ સાજણના મોબાઇલનો ડેટા મેળવાયો

વડોદરા, તા.31 કરજણ પાસેના એક્સપ્રેસ હાઇવે પરથી દારૃ ભરેલી ટેન્કર અને રૃા.૧૫ લાખના તોડકાંડની તપાસ પીએસઆઇ પાસેથી લઇને પીઆઇને સોંપવામાં આવી છે. જ્યારે આ કેસની તપાસ માટે વિવિધ ટીમો અન્ય રાજ્યમાં તપાસ કરવા ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

સાંપા ગામ પાસેથી દારૃનો મોટો જથ્થો ભરેલું ટેન્કર જિલ્લા એલસીબીએ ઝડપી પાડયા બાદ આ ટેન્કર પોલીસ ના પકડે તે માટે સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણ આહિરે રૃા.૧૫ લાખનો તોડ રાજસ્થાનના ગેંગસ્ટર અને દારૃના સપ્લાયર અનિલ ઉર્ફે પાંડીયા પાસે કર્યો હોવાનો પર્દાફાશ થતાં દારૃના કેસે અલગ વળાંક લીધો હતો. ડીએસપી દ્વારા આ કેસની તપાસ શરૃઆતમાં શિનોરના પીએસઆઇને સોંપાઇ હતી.

દરમિયાન આ કેસની તપાસ વિસ્તૃત કરવાની હોવાથી તેમજ વિવિધ મુદ્દાઓ અને અન્ય રાજ્યો સુધી તપાસ ફેલાયેલી હોવાથી પીએસઆઇના બદલે થોડા સમય પહેલાં વિજિલન્સમાંથી પરત ફરેલ પીઆઇ પાસે તપાસ કરાવવાનો નિર્ણય લેવાયો છે. હવે આ કેસની તપાસ શિનોરના પીઆઇ દ્વારા કરાશે તેમ જાણવા મળ્યું છે. સાજણ આહિર પાસેના બે મોબાઇલ પૈકી એક મોબાઇલ પોલીસને હજી સુધી મળ્યો નથી જ્યારે બીજા સ્માર્ટફોનની વિગતો પોલીસે મેળવી હોવાનું જાણવા મળ્યું છે.

સાજણ આહિર દ્વારા રેગ્યૂલર ઉપયોગમાં લેવાતા ફોનના સીડીઆર પોલીસે મેળવ્યા છે અને તેનું એનાલિસિસ હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ સાજણને લઇને જિલ્લા પોલીસની એક ટીમ દ્વારકા તપાસ માટે રવાના થઇ છે જ્યારે બીજી ટીમ રાજસ્થાન અને ત્રીજી ટીમ નાગાલેન્ડ ખાતે તપાસ માટે ગઇ છે.


ગેંગસ્ટર અનિલ ઉર્ફે પાંડીયાના પાસપોર્ટની વિગતોના આધારે તપાસ


ગુજરાતમાં દારૃનો મોટો જથ્થો ઘુસાડનાર રાજસ્થાનના ગેંગસ્ટર અનિલ ઉર્ફે પાંડીયાને ઝડપી પાડવા માટે રાજ્યની પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે પરંતુ હજી સુધી તેને ઝડપી શકતી નથી. અનિલ વિદેશમાં હોવાની આશંકા પણ સેવાઇ રહી છે.

દરમિયાન અનિલ ઉર્ફે પાંડીયા પાસે કેટલા પાસપોર્ટ છે તેની વિગતો મેળવીને તેણે વિદેશ પ્રવાસ ક્યારે અને કેટલી વખત કર્યો તેની માહિતી પણ એકત્ર કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.