Gujarat

વડોદરામાં SMC નો સપાટો ,પંચાયતોની ચૂંટણી પહેલાં બિશ્નોઇ ગેંગનો 2.44 કરોડનો દારૃ પકડાયો

By GS TEAM
16 Jun 20252 mins read
વડોદરામાં SMC નો સપાટો ,પંચાયતોની ચૂંટણી પહેલાં  બિશ્નોઇ ગેંગનો  2.44 કરોડનો દારૃ પકડાયો

વડોદરાઃ વડોદરામાં ફરી એક વાર સ્ટેટ મોનિટરિંગ સેલે દશરથ વિસ્તારમાં દરોડો પાડી દારૃના મોટેપાયે થઇ રહેલી હેરાફેરીનો ભાંડો ફોડયો છે.પોલીસે બિશ્નોઇ ગેંગના ચાર ખેપિયાઓને ઝડપી પાડી ૨.૪૪ કરોડનો દારૃ અને કન્ટેનર સહિત કુલ રૃ.૨.૬૯ કરોડની મત્તા કબજે કરી છે.

શહેરમાં દારૃનો ધંધો કરતા બૂટલેગરો દ્વારા દારૃની મોટેપાયે હેરાફેરી કરવામાં આવતી હોય છે.જેથી સ્થાનિક પોલીસ કામગીરી ના કરતી હોય તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ દરોડા પાડવામાં આવતા હોય છે.ગ્રામ પંચાયતોની ચૂંટણી હોવાથી દારૃની હેરાફેરી વધે તેવી શક્યતાથી સેલ દ્વારા વોચ રાખવામાં આવી હતી.

છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા દશરથ ખાતે બાલાજી ટ્રેડર્સ નામના સ્થળે દારૃનું ગોડાઉન હોવાની વિગતો મળતાં એસએમસીની ટીમે દરોડો પાડયો હતો.આ વખતે દારૃના ખેપિયાઓ દ્વારા એક કન્ટેનરમાંથી દારૃના મોટા બોક્સ ઉતારવામાં આવતા હતા.જેથી પોલીસે સ્થળ પરથી ચાર જણાને ઝડપી પાડયા હતા.

ગાંધીનગરની ટીમે કુલ રૃ.૨.૪૪ કરોડની કિંમતની દારૃની ૧.૨૬લાખ બોટલો કબજે કરી હતી.જ્યારે,કન્ટેનર,રોકડા રૃ.૬૨૫૦, ચાર મોબાઇલ પણ કબજે કર્યા હતા.પોલીસે પકડેલાઓમાં માંગીલાલ બાબુરામ બિશ્નોઇ, અશોક ઉર્ફે અનિલ પપ્પુરામ બિશ્નોઇ(બંને રહે.ચૌટન,બાડમૈર,રાજસ્થાન),કમલેશ મધારામ બેનીવાલ અને પ્રવિણકુમાર પુનમારામ બિશ્નોઇ(બંને રહે.કટવાડા,રાની વાડા,ઝાલૌર,રાજસ્થાન)નોસમાવેશ થાયછે.જ્યારે સૂત્રધાર રાજુરામ બિશ્નોઇ સહિત પાંચને વોન્ટેડ જાહેર કર્યા છે.

બેફામ બનતા બૂટલેગરો,ભાડાકરાર કરી ગોડાઉન રાખ્યું

પોલીસ દ્વારા કરોડોના દારૃનો નાશ કરવામાં આવતો હોવા છતાં શહેરમાં બૂટલેગરો બેફામ બની રહ્યા છે અને મોટેપાયે હેરાફેરી કરી રહ્યા છે.દશરથમાં બાલાજી ટ્રેડર્સમાંથી પકડાયેલા દારૃના ગોડાઉનનો તો બૂટલેગરો દ્વારા ભાડાકરાર પણ કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.જેથી છાણી પોલીસે તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

કોને કોને વોન્ટેડ જાહેર કર્યા

(૧)મુખ્ય સૂત્રધાર-રાજુરામ દીયારામ બિશ્નોઇ(સલોરી,બાલાજી ટેમ્પલ,જોધપુર, રાજસ્થાન)(૨) મદદગાર- દિનેશજી બિશ્નોઇ(સાંચોર, રાજસ્થાન)(૩) ટેન્કરના ફરાર થયેલા ડ્રાઇવર અને ક્લિનર(૪) કન્ટેનરનો માલિક અને(૫) દારૃનો સપ્લાયર