વહેલાલ નજીક ગોડાઉનમાં છુપાવેલો ૬૮ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો
બુટલેગરોએ ગોડાઉન ભાડે લઇને દારૂનો જથ્થો મુક્યો હતો
રાજસ્થાનથી દારૂ લાવવામાં આવતો હતોઃ ગોડાઉન ભાડે આપનાર સહિત ચાર શખ્સો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વહેલાલ પાસે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડીને રૂપિયા ૬૮ લાખની કિંમતની વિદેશી દારૂની ૨૧ હજાર ઉપરાંતની બોટલો જપ્ત કરી હતી. આ અંગે કણભા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બુધવારે બાતમી મળી હતી કે વહેલાલ ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એક ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે તપાસ કરતા ગોડાઉનમાંથી ૪૫૨ પેટી વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. જેમાં ૬૮ લાખની કિંમતની ૨૧ હજાર ઉપરાંત, વિદેશી દારૂની બોટલો હતી.
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે થાનેમાં આવેલા ગોદરેજ એમરલેન્ડમાં રહેતા માયલા સોહનલાલે શ્યામ એન્ટરપ્રાઇઝના નામે ગોડાઉન ભાડે લીધુ હતુ. જે ગોડાઉન તેણે રાજસ્થાનના બુટલેગર પ્રવિણ બિશ્નોઇ, મનોહર બિશ્નોેઇ, બિરબલ બિશ્નોઇને ભાડે આપીને દારૂનો જથ્થો છુપાવવા માટે આપ્યું હતું. એસએમસીના દરોડાના પગલે કણભા પોલીસની સાથે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે આગામી સમયમાં ડીજીપી દ્વારા આ મામલે રિપોર્ટ કરવામાં આવશે.