સુરતના હોડી બંગલા ખાતે જર્જરિત બિલ્ડીંગની બાલ્કની ધરાશાયી થતાં પાલિકાએ માર્યું સીલ
Surat : સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં હોડી બંગલા વિસ્તારમાં એક બિલ્ડીંગની બાલ્કની આજે સવારે ધડાકાભેર તૂટી પડી હતી. જેમાં એક યુવાન કાટમાળ હેઠળ દટાયો હતો. ઘાયલ થયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોડી બંગલા ખાતે જે બિલ્ડિંગનો ભાગ તૂટી પડ્યો હતો તે બિલ્ડીંગમાં વસવાટ ખાલી કરાવી પાલિકાએ મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં હોડી બંગલા વિસ્તારમાં વોર્ડ નંબર 7 મા નોધ નંબર 1592 થી 1606માં મલ્લિક બાબા કોમ્પલેક્ષ આવ્યું છે. આજે સવારે આ જર્જરિત બિલ્ડીંગમાં ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. આ બિલ્ડિંગમાં 20 જેટલા પરિવાર રહે છે. આ બિલ્ડીંગ જર્જરિત હોવાથી સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા ત્રણ મહિના પહેલા જ (20 માર્ચના રોજ) બિલ્ડીંગ રીપેર કરવા માટે નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત પાલિકાના ફાયર વિભાગે પણ 26 મેના રોજ ઈન્સ્પેક્શન કરીને રહેવાસીઓને સલામતીના સાધનો માટે તાકીદ કરી હતી.
જોકે, પાલિકાએ 20 માર્ચના રોજ નોટિસ ફટકારી હોવા છતાં ત્વરિત રીપેરીંગ કામગીરી કોમ્પ્લેક્ષના રહેવાસીઓએ કરી ન હતી. હાલમાં લાઈટ મીટર શીફ્ટ કરીને રીપેરીંગ કામગીરી તબક્કાવાર કરવામાં આવનારી હોવાનું સ્થાનિકો એ જણાવ્યું હતું. આજે સવારે ધડાકાભેર ગેલેરી તૂટી પડતા પાલિકાએ આજે પાલિકાએ રહેવાસીઓનો વસવાટ ખાલી કરાવી દીધો હતો અને બિલ્ડીંગ સીલ કરવાની કામગીરી કરી હતી.