Get The App

સુરત પાલિકાની શાળામાં રામાયણ-ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાની શાળામાં રામાયણ-ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ 1 - image

Surat : આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઇલ અને સોશિયલ મીડિયા વચ્ચે પસાર થઈ રહ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત એક શાળાએ શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે. વરિયાવ પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને ગત વર્ષે વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે ધોરણ-8ના વિદ્યાર્થીઓને વાલ્મિકી કૃત રામાયણ પુસ્તિકાનું વિતરણ કરીને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સુરત પાલિકાની શાળામાં રામાયણ-ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ 2 - image

સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી રમેશ પારેખ પ્રાથમિક શાળા ક્રમાંક-316, તાડવાડી-વરિયાવ ખાતે બાળકોન અક્ષર જ્ઞાન આપવા સાથે સંસ્કારનું સિંચન કરવાનો અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના એક દાતાના સહયોગથી ધોરણ-8માં અભ્યાસ કરતા આશરે 100 જેટલા વિદ્યાર્થીઓને વાલ્મિકી કૃત રામાયણનું પુસ્તક આપવામાં આવ્યું હતું. શાળા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે છેલ્લા કેટલાક વર્ષોથી વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ગત વર્ષે ધોરણ-8ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવી હતી. ગીતા દ્વારા કર્મયોગ, કર્તવ્યનિષ્ઠા અને જીવનના મૂલ્યોનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પરંપરાને આગળ વધારતાં આ વર્ષે રામાયણ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ ભગવાન શ્રીરામના આદર્શ જીવન, માતા-પિતાની સેવા, સત્યનિષ્ઠા, વચનપાલન, ત્યાગ અને આદર્શ માનવ જીવનના મૂલ્યોને સમજી શકે તેવો હેતુ હોવાનું શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને રામાયણના આધ્યાત્મિક, નૈતિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે રામાયણ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતો એક મહાન ગ્રંથ છે. તેમાં દર્શાવવામાં આવેલા આદર્શો આજના સમયમાં પણ એટલા જ પ્રાસંગિક છે. વિદ્યાર્થીઓ જો બાળપણથી આવા ગ્રંથોનું વાંચન કરશે તો તેમના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેઓ એક જવાબદાર તથા સંસ્કારી નાગરિક બની શકશે. શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે શિક્ષણનો હેતુ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવાનો નથી, પરંતુ સારા મનુષ્યનું ઘડતર કરવાનો પણ છે. રામાયણ અને ગીતા જેવા ગ્રંથો વિદ્યાર્થીઓમાં સંવેદના, શિસ્ત, કર્તવ્યનિષ્ઠા, વડીલો પ્રત્યે આદર અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જ શાળા દ્વારા શિક્ષણની સાથે સંસ્કારના સિંચન માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને નિયમિત વાંચન કરવાની તથા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી હતી.