Gujarat

ભેંસાણ નજીક SMCનો દરોડો : 68 લાખના દારૂ- બિયર પકડાયા

By GS TEAM
5 Sep 20252 mins read
ભેંસાણ નજીક SMCનો દરોડો : 68 લાખના દારૂ- બિયર પકડાયા

પોલીસનાં વાહન જોઈ બુટલેગરો નાસી ગયા : કન્ટેનર, ટ્રક, 4 કાર મળી કુલ 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે : જેતપુર- અમરેલીના બુટલેગર અને વાહનચાલકો સામે ગુનો

જૂનાગઢ, : સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ભેંસાણ તાલુકાના રફાળીયાની સીમમાં દારૂના કટીંગ વખતે દરોડો પાડયો હતો. પોલીસના વાહનની લાઈટ જોઈ બુટલેગરો અને વાહનચાલકો તો નાસી ગયા હતા પરંતુ તપાસ કરતા કન્ટેનરમાંથી 68  લાખની કિંમતનો અધધધ...15593 બોટલ દારૂ મળી આવ્યો હતો. એસ.એમ.સી.એ ટ્રક, કન્ટેનર, ચાર કાર સહિત કુલ 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી જેતપુર અને અમરેલીના બુટલેગર સહિત નવ શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આટલા મોટા પ્રમાણમાં દારૂ બિયરનો જથ્થો ભેંસાણ સુધી કેમ પહોંચી ગયો અને બુટલેગરો એસ.એમ.સી.નો સ્ટાફ આવે એ પહેલાં જ કેમ નાસી ગયા એ પણ તપાસનો વિષય છે. એસ.એમ.સી.ના આ દરોડથી સ્થાનિક પોલીસમાં દોડધામ થઈ ગઈ હતી. એસ.એમ.સી.ના સૂત્રોના જણાવ્યા મુજબ, અમરેલીના બુટલેગર ધર્મેશ ઉર્ફે ધમા સામે અમરેલી જિલ્લામાં દારૂ, મારામારી, હત્યા સહિતના 22 ગુના નોંધાયેલા છે.

આ અંગેની વધુ વિગત મુજબ અમરેલીના બુટલેગર ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે ધમા મનુ વાળા અને જેતપુરના અમરનગરના ભાગીદાર જ્યેન્દ્ર જીલુ બસીયાએ અન્ય રાજ્યમાંથી દારૂનો જથ્થો મંગાવ્યાની, તેનું ભેંસાણ તાલુકાના રફાળીયાની સીમમાં કટીંગ કરવામાં આવતું હોવાની તેમજ ત્યાં અન્ય વાહનચાલકો દારૂ લેવા આવવા અંગેની બાતમી મળી હતી. તેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે ગતરાત્રીના રફાળીયાની સીમમાં દરોડો પાડયો હતો.

અંધારામા પોલીસના વાહનને આવતું જોઈ બુટલેગરો અને તેના મળતીયા વાહનો મુકી નાસી ગયા હતા. એસ.એમ.સી.ના સ્ટાફે સ્થળ પર જઈ તપાસ કરતા ત્યાં એક કન્ટેનર, ટ્રક અને ચાર કાર મળી આવી હતી. કન્ટેનરમાં તપાસ કરતા તેમાં 110 નંગ બેરલ મળી આવ્યા હતા. આ ઉપરાંત 68,64,900 ની કિંમતનો દારૂ અને બિયરની ૧૫૫૯૩ બોટલ મળી આવી હતી. એસ.એમ.સી.ના સ્ટાફે દારૂ- બિયર અને વાહનો મળી કુલ 1.16 કરોડનો મુદામાલ કબ્જે કર્યા બાદ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ભેંસાણ પોલીસના કર્મચારીઓ ત્યાં પહોંચ્યાં હતા. બાદમાં દારૂ અને વાહનોને ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે એસ.એમ.સી.ના એ.એસ.આઈ.ભરત ચાવડાએ અમરેલીના બુટલેગર ધર્મેશ ઉર્ફે ધમો મનુ વાળા, તેના ભાગીદાર જ્યેન્દ્ર ઝીલુ બસીયા, કન્ટેનર અને ટ્રક ચાલક ઉપરાંત ચારેય કારના ચાલક તેમજ દારૂ મોકલનાર સહિત નવ શખ્સ સામે ફરિયાદ કરતા ભેંસાણ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.