ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પાલિકા-પોલીસે વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચેથી 10 ટ્રક ભરીને ગેરકાયદે સામાન દૂર કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરત વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચે અને ડિવાઈડરમાં ગેરકાયદે રહેતા લોકો અને ગેરકાયદે દબાણ હટાવવા પત્ર લખ્યો હતો. પત્રમાં અફીણ, ગાંજો, ડ્રગ્સ જેવા ગેરકાયદે ધંધા થતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આવા ગંભીર આક્ષેપ બાદ પાલિકા અને પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને ગઈકાલ ગુરુવારે રાત્રે એક મેગા ઓપરેશન કર્યું હતું અને 7 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા બ્રિજ અને ડીવાઈડર વચ્ચે રહેતા 250 જેટલા શ્રમજીવીઓ અને ભીખારીઓને દૂર કર્યા હતા. આ ઉપરાંત આ બ્રિજ અને ડિવાઈડરમાંથી 10 ટ્રક ભરીને ગેરકાયદે સામાન પણ દૂર કર્યો હતો.
સુરત પાલિકાએ બનાવેલા સંખ્યાબંધ ફ્લાય ઓવર બ્રિજ નીચે ભિખારી-શ્રમજીવીઓનો અડ્ડો છે અને કેટલાક અસામાજિક તત્વોએ પણ અડ્ડો બનાવ્યો છે. થોડા સમય પહેલાં સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે પણ બ્રિજ નીચેથી ન્યુસન્સ દુર કરવા માટે આદેશ કર્યો હતો. પરંતુ તંત્રએ કોઈ ખાસ કામગીરી કરી ન હતી. હાલમાં વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિ. કમિશ્નરને એક પત્ર લખ્યો હતો. જેમાં સુર્યપુર ગરનાળાથી પ્રાણીસંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલા ઓવર બ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે અનેક લોકો ગેરકાયદે રહે છે. આ ઉપરાંત JCB, ટ્રક, ટેમ્પા જેવા મોટા વાહનનું પાર્કિંગ થઈ રહ્યું છે. આ સાથે સાથે દબાણની આડમાં ગેરકાયદેસર ધંધા જેવા કે અફીણ, ગાંજો, ડ્રગ્સનું ખુબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થઈ રહ્યું છે. પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ઉકેલ કેટલા દિવસમાં લાવો છો તેનો લેખિત જવાબ આપવા માટે જણાવ્યું હતું.
આ પત્ર બાદ પાલિકા અને પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને ગુરુવારની રાત્રે જ મેગા ઓપરેશન કર્યું હતું. આ કામગીરી દરમિયાન વરાછાથી લંબે હનુમાન સહિતના વિસ્તારોમાં ફ્લાય ઓવર બ્રિજ નીચે અડિંગો જમાવી વસવાટ કરતા 250 જેટલા લોકોને હટાવવામાં આવ્યા હતા. જ્યારે 10 ટ્રક ભરીને તેઓની માલવાહક ટ્રાઇસિકલ સહિત બેનરો, ઘરવખરીનો સામાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, આ કાયમી ધોરણે દબાણ દુર થાય તેવી માંગણી કરવામાં આવી છે.








