સુરત પાલિકાના સફાઈ કામદારોને વગર વ્યાજની લોન મળે તે માટે થશે આયોજન
Surat : સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશના નંબર વન આવ્યા બાદ હવે સ્વચ્છતા માટે સૌથી વધુ કામગીરી કરનારા સફાઈ કામદારો માટે અલાયદુ આયોજન થઈ રહ્યું છે. સફાઈ કામદારોના બાળકોને વધુ અભ્યાસ, ઘર કે મકાન સહિતની અન્ય જરૂરિયાત માટે એક ખાસ ફંડ ઉભુ કરી વ્યાજમાંથી લોન આપવા માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સુરત ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સુરતને સ્વચ્છતામાં દેશમાં અગ્રેસર રાખનારા પાલિકાના સફાઈ કામદારો માટે ખાસ આયોજન થઈ રહ્યું છે. સુરત પાલિકાના છ હજાર જેટલા સફાઈ કામદારોનું સન્માન તો કરવામાં આવ્યું છે હવે આગામી દિવસોમાં એક સંસ્થા બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જેવા અધિકારીના નેજા હેઠળ કામગીરી કરવામાં આવશે. આ સંસ્થામાં મોટું ફંડ ઉભુ કરવામાં આવશે અને તેમાંથી સફાઈ કામદારોના બાળકો સારા માર્કેસે પાસ થાય તેમને આગળ ભણાવવા માટેની ફી સંસ્થામાંથી મળે તેવું આયોજન થશે. આ ઉપરાંત સફાઈ કામદારોને મકાન કે વાહન માટે લોન જોઈતી હોય તો તે વગર વ્યાજે આપવામાં આવે તેવી અનેક રીતે મદદ કરવા આ ફંડનો ઉપયોગ થાય તેવો પ્રયાસ કરાશે. આ માટે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મ દિવસે સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ કરી 6 હજાર સફાઈ કામદારો અને દાતાને હાજર રાખવામાં આવશે અને સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવશે.