Get The App

સુરત પાલિકાની ચૂંટણી પહેલા પાણી મીટરની પ્રથા મુદ્દે ઘમાસાણ : વિપક્ષનો વોટર મીટર બિલ માફ કરવા તંત્રને લખ્યો પત્ર

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાની ચૂંટણી પહેલા પાણી મીટરની પ્રથા મુદ્દે ઘમાસાણ : વિપક્ષનો વોટર મીટર બિલ માફ કરવા તંત્રને લખ્યો પત્ર 1 - image


Surat Corporation Water Bill : સુરત પાલિકાની આગામી ચૂંટણી પહેલાં લોકો માટે આફત બની રહેલા વોટર મીટર બિલનો પ્રશ્ન ફરી ઉભો થયો છે. વોટર મીટર બિલ અંગે લોકોમાં આક્રોશ અને ઘમાસાણ જોવા મળી રહી છે તેવામાં પાલિકાના વિપક્ષે વોટર મીટર બિલ માફ કરવા તંત્રને લખ્યો પત્ર લખી આ દરખાસ્તને સામાન્ય સભામાં રજૂ કરવા જણાવ્યું છે. જો પાણીના મીટર પ્રથા બંધ કરી જુના મીટરના તોતિંગ બિલ માફ કરવામાં આવે, નહીં તો આંદોલન કરવાની વિપક્ષની ચીમકી પણ આપવામાં આવી છે. 

સુરત પાલિકાએ મોટા ઉપાડે 24 કલાક પાણીની યોજના શરૂ કરી અને મીટરથી પાણી આપવાનું શરુ કર્યું ત્યારથી વોટર મીટર બિલ સામે વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે શાસકોએ કોઈ નિર્ણય લીધો નથી અને આગામી થોડા જ મહિનામાં પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિપક્ષે વોટર મીટર બિલ માફી મુદ્દો ઉપાડીને શાસકોની દુખતી નસ દબાવી દીધી છે. 

પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ સેક્રેટરીને એક પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે પાલિકાએ 24 કલાક પાણીની યોજના અને વોટર બિલની યોજના શરૂ કરીને 12 વર્ષનો સમય થઈ ગયો છે છતાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને તેનો ભોગ પ્રજા બની રહી છે.  પાલિકા વોટર મીટર બિલ માટે ઉઘાડી લુંટ ચલાવી રહી છે લોકોને માથે મોટા બિલ નાખી દેવામાં આવ્યા છે. પાલિકાએ 24 કલાક પાણી યોજનાનું નામ આપ્યું છે પરંતુ લોકોને ચાર કલાક જ પાણી મળી રહ્યું છે. 

સુરત પાલિકા વિસ્તારના લોકો હાલ પાલિકાની વેપારી નીતિના કારણે પીડાઈ રહ્યા છે પાલિકા જ્યારે તમામ રહેણાંક વિસ્તારમાં વોટર મીટર બિલ માફ કરવા માટે પત્ર લખાયો છે. આ ઉપરાંત જુના મોટા બિલ માફ કરવા સાથે જે લોકોએ બિલ ભરી દીધા છે તેને વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. જો પાલિકા અને શાસકો આ મુદ્દાને ગંભીરતાથી નહીં લે તો પ્રજાને સાથે લઇને આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. વિપક્ષના આ પત્રના કારણે શાસકોની હાલત આગામી દિવસોમાં કફોડી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. 

ભુતકાળમાં બેઠક કરી હતી પણ બિલ માફ કરવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો

સુરત મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર શહેરમાં 24 કલાક પાણી આપવા સાથે મીટર લગાવવા માટે આયોજન થઈ રહ્યું છે. તો બીજી તરફ પાલિકા દ્વારા લોકોને બિલ આપવામાં વિલંબ કરવામાં આવ્યો હતો તેના કારણે એક સાથે લોકોને આઠથી બાર મહિનાના બિલ આવી રહ્યા છે. આ તોતિંગ બિલના કારણે લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે પાલિકાની સભામાં ભાજપના જ કોર્પોરેટરે વોટર મીટર બિલ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઉપરાંત વિપક્ષમાંથી સસ્પેન્ડ થયેલા એક સભ્યએ પણ 24 કલાક પાણીની યોજના બિલ માફ કરવા માટે 2023 ની સામાન્ય સભામાં રજૂઆત કરી હતી. આ ઉપરાંત થોડા સમય પહેલા સામાન્ય સભામાં કતારગામના ભાજપના એક કોર્પોરેટરે પણ આવી રીતે મોટા બિલ સામે વિરોધ કર્યો હતો. આ મુદ્દે ભારે વિરોધ બાદ શાસકોએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી પરંતુ તેમાં કોઈ નિવેડો આવ્યો ન હતો અને બીલ ભરવા માટે માત્ર મુદત આપી શકાય માફ કરી ન શકાય તેવો મત રજૂ કર્યો હતો. 

Tags :