સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા
Surat Corporation : સુરત કોંગ્રેસ કાર્યાલય પર આક્રમક વિરોધ કરનારા ભાજપને તેવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાની સામાન્ય સભામાં પ્રશ્ન પુછવામાં મેયર જવાબ આપવાની ના પાડી દેતા આજે વિપક્ષે મેયર કચેરી સામે રજૂઆત-વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. મેયર આવે તે પહેલાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મેયર આવ્યા ત્યારે વિપક્ષ સાથે ઘર્ષણ પણ થયું હતું. ત્યારબાદ વિરોધ પ્રદર્શન આક્રમક બનતા પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસ અને પાલિકાના સિક્યુરીટી સ્ટાફે વિપક્ષી નેતા સહિતના કોર્પોરેટરોને ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતા.
સુરત પાલિકાના વિપક્ષ આપ દ્વારા સામાન્ય સભાની પ્રશ્નોતરીના પ્રશ્નોના જવાબ લેખિત ન આપવાની વાત કરતા વિપક્ષે રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષે જણાવ્યું હતું કે, વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાંથી છટકબારી કાઢી સાફ શબ્દોમાં મેયરે જવાબ આપવાની ના પાડી દીધી જે મામલો ખૂબ જ ગંભીર છે. આ રજુઆત માટે મેયરનો જવાબ માંગવા ગયા હતા જ્યાં રામ ધુન અને સૂત્રોચ્ચાર કરી મેયરનો હુરિયો બોલાવ્યો હતો. ત્યાર બાદ પોલીસ બોલાવાતા પોલીસ અને પાલિકાના સિક્યુરીટી સ્ટાફે વિપક્ષના તમામને ટીંગાટોળી કરી ડિટેઇન કરી લીધા હતા. વિપક્ષે મેયર મનમાની કરી લોકશાહીનું ગળું દબાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
સભા સંચાલનના નિયમોમાં લેખિત જવાબ બાબતે કોઈ સ્પષ્ટતા નથી
સુરત પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર પ્રશ્નો પૂછતા હોય ત્યારે સભામાં સમય મર્યાદા હોવાથી મ્યુનિ. કમિશનર જવાબ ન આપી શકે તો સામાન્ય રીતે તેમને લેખિતમાં જવાબ આપવાની પ્રણાલી ચાલતી આવી રહી છે. પરંતુ ગત સભામા મેયરે લેખિતમા સભ્યોને જવાબ ન આપવાની જાહેરાત કરી હોવાથી વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જાકે, સભા સંચાલનના નિયમો મુજબ દરેક પૂછાયેલા પ્રશ્નોના લેખીત જવાબ સભ્યોને આપવા કે કેમ? તે અંગે કોઇ જ સ્પષ્ટતા નથી. સભા સંચાલનના નિયમ (સીક્યુ માટે) 46(8) મુજબ સેક્રેટરી એજન્ડા બહાર કાઢે છે અને 46(9) હેઠળ મનપા કમિશનર કે મંચ પર હાજર તેમના પ્રતિનિધિ નિર્ધારિત સમયમાં પ્રશ્નોના જવાબ ગૃહ સમક્ષ રજૂ કરે છે. આ સિવાય પ્રશ્નોત્તરીના જવાબ બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વિપક્ષે મેયર કચેરી સામે હલ્લાબોલ કર્યો પણ બાજુની ઓફિસમાં બેઠેલા પુર્વ પદાધિકારી ઓફિસ બહાર ન આવી તમાશો જોયો
સુરત પાલિકાની કચેરીમાં મેયરની કચેરી સામે વિપક્ષના આક્રમક વિરોધ પ્રદર્શન બાદ ભાજપમાં ચાલી રહેલી જુથબંધી અને ભાજપના કેટલાક કોર્પોરેટરોનો વિપક્ષ પ્રત્યેનો પ્રેમ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યો છે. મેયરની ઓફિસ બહાર આક્રમક વિરોધ પ્રદર્શન બાદ પાલિકામાં હાજર કોર્પોરેટરો સમિતિના અધ્યક્ષ આવી ગયા હતા પણ બાજુની ઓફિસમાં ચા પાણી કરતા પૂર્વ પદાધિકારી ન આવતા વિવાદ બહાર આવ્યો છે.
સુરત પાલિકાના એક પુર્વ પદાધિકારી વિપક્ષ સાથે કૂણી લાગણી ધરાવે છે અને મોટા ભાગે વિપક્ષના પ્રશ્નો અહીથી જ જતા હોવાની ચર્ચા ચાલતી હતી. દરમિયાન આજે વિપક્ષે મેયર કચેરી સામે આક્રમક વિરોધ કર્યો હતો તે દરમિયાન બનેલી કેટલીક ઘટનાએ ભાજપના પુર્વ પદાધિકારી અને વિપક્ષ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા વધુ તેજ બની છે. સુરતના મેયર દક્ષેશ માવાણીની ઓફિસ બહાર વિપક્ષ આક્રમક વિરોધ પ્રદર્શનની ખબર પડતા પાલિકા કચેરીમાં હાજર વિવિધ સમિતિના કેટલાક ચેરમેન અને કોર્પોરેટરો મેયર કચેરીમાં પહોંચી ગયા હતા. પરંતુ મેયરની ઓફિસની બાજુમાં આવેલી ડેપ્યુટી મેયરની ઓફિસમાં શાસક પક્ષના એક પુર્વ પદાધિકારી ચા-પાણી કરતા હતા તેઓ બહાર આવ્યા ન હતા અને તમાશો જોયો હતો.
આ વિરોધ પ્રદર્શનમાં શાસકો બેકફૂટ પર આવી ગયા હતા અને મેયર એકલા પડી ગયા હતા તે જાણવા છતાં પૂર્વ પદાધિકારીએ બહાર આવવાની તસ્દી શુધ્ધા લીધી ન હતી. આ પહેલા પણ પક્ષ વિરુદ્ધ અને વિપક્ષને ફાયદો થાય તેવી ટિપ્પણી કરનારા પૂર્વ પદાધિકારીની આજની હરકત ભાજપમાં ચર્ચાનો વિષય બની છે અને તે ફરિયાદ સંગઠન સુધી પહોંચી ગઈ છે.