સુરત કમિશનરને ખાડી પૂર નિવારણ સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપતા જ પાલિકા તંત્ર એલર્ટ
Surat : સુરતમાં ખાડી પૂરના લાખો લોકોની હેરાનગતિ બાદ લોકોમાં ભારે આક્રોશ છે અને તેના કારણે સરકાર એકશનમાં આવ્યું છે અને ખાડી પૂર નિવારણ માટે સમિતિ બનાવવામા આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે સુરત પાલિકા કમિશનર નિયુક્ત થતાની સાથે જ પાલિકા તંત્ર એકશનમાં આવી ગયું છે અને આવતીકાલથી ખાડીમાં દબાણ દુર કરવા સાથે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જોકે, આ કામગીરી પહેલાં જ એક ચોંકાવનારો સર્વે બહાર આવ્યો છે. જેમાં પાલિકાના સરથાણા અને ઉધના ઝોનમાં 25થી વધુ કલવર્ટ હોવાનું બહાર આવ્યું છે તે દૂર કરવાની કામગીરી પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પૂરની સમસ્યા આવી રહી છે લાખો લોકોની હેરાનગતિ થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આ વખતે રેલના પાણી પાંચ દિવસ સુધી રહ્યા હતા તેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાડી પૂરના મુદ્દે ભારે વિવાદ સર્જાતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી. જેમા ખાડી પૂરના નિવારણ માટે લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા માટે કમિટી બનાવવાની સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. સુરત મનપાના પાંચ અધિકારીઓ સહીત કુલ 19 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. બે દિવસ પુર્વે ખાડી પૂર નિવારણ સમિતિની પ્રથમ બેઠક મળી હતી. જેમા વિવિધ વિભાગો દ્રારા સુચનો કરવામાં આવ્યા હતા.
આ કમિટીના અધ્યક્ષ પહેલા કલેકટર સૌરભ પારધીની નિમણૂક થઈ હતી. ત્યારબાદ આજે મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે કમિશનરની નિમણૂક થતાની સાથે પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે. સમિતિના અધ્યક્ષ તરીકેનો ચાર્જ મળતાની સાથે મ્યુ કમિશનરે મનપાના અધિકારીઓ દોડતા કરી દીધા છે. ખાડી પૂર અસરગ્રસ્ત ઝોન ગણાતા લિબાયત, ઉધના, વરાછા-એ, વરાછા-બી અને અઠવા ઝોનને ખાડી કિનારે પાલિકાની જગ્યા પર જે નવા દબાણ ઉભા કરવામાં આવ્યા છે. તેનો સર્વે કરવા સૂચના આપવામાં આવી છે
. જોકે, હાલમાં એક સર્વે કરાયો છે તેમાં ચોંકવનારી માહિતી બહાર આવી છે જેમાં ખાડીના પાણીને અવરોધ કરતા સરથાણા ઝોનમાં સૌથી વધુ 20 જેટલા અનધિકૃત બ્રિજ અને કલવર્ટ, લિંબાયત ઝોનમાં ચાર થી પાંચ જગ્યાએ અનધિકૃત બ્રિજ અને કલવર્ટ તેમજ ઉધના ઝોનમાં ઉધના ઝોનમાં 5 અનધિકૃત બ્રિજ અને કલવર્ટ ખાડીના કુદરતી પ્રવાહને અવરોધે છે અને પૂરનું જોખમ વધારે છે. જોકે, આ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ આવતીકાલથી આવા દબાણ દુર કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાડી કિનારે રીઝર્વેશનની જગ્યાઓ અને સરકારી જગ્યા તેમજ તેના પરના દબાણો બાબત પણ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સૌ પ્રથમ ગેરકાયદે કલર્વટ અને સરકારી જમીન તેમજ રીઝર્વેશનની જગ્યાઓ પરથી દબાણો હટાવવા તમામ ઝોને તૈયારી શરૂ કરી દીધી છે.