સુરતથી ઝડપાયેલા આરોપીઓએ કરોડોનું એમ ડી ડ્રગ્સ વેચાણ કર્યુ હતું
સુરતમાં એમ ડી ડ્રગ્સ તૈયાર કરી વેચાણ કરવાનો મામલો
અતીક નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ બનાવવાનો કાચો માલ મેળવતા હતાઃ અનેક ડ્રગ્સ પેડલર-ડીલરના નામે ખુલ્યા
અમદાવાદ,રવિવાર
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ થોડા દિવસ પહેલા સુરત કઠોરથી બે યુવકોને એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી એમ ડી ડ્રગ્સ તૈયાર કરવા માટેનું રૉ મટિરીયલ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે બંને આરોપીઓ એમ ડી ડ્રગ્સ તૈયાર કરીને ગુજરાતના વિવિધ શહેરોમાં ડ્રગ્સ પેડલરની મદદથી ડીલીવર કરતા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં પોલીસને અનેક ડ્રગ્સ સપ્લાયર્સના નામ જાણવા મળ્યા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે થોડા દિવસ પહેલા સુરતના કઠોરમાં માનસરોવર સોસાયટીમાં દરોડો પાડીને મુનાફ કુરેશી (રહે. ત્રિમુખી હનુમાન મંદિર પાસે, ભાવનગર) અને કેતન રફડિયા (રહે.શીવ બંંગ્લોઝ, ઉમરા, સુરત)ને રૂપિયા સવા લાખની કિંમતના એમ ડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. સાથેસાથે તેમની પાસેથી એમ ડી ડ્રગ્સ તૈયાર કરવાનું મટીરીયલ પણ મળી આવ્યું હતું.
પોલીસને જાણવા મળ્યું હતું કે મુખ્ય માસ્ટર માઇન્ડ મુનાફ કુરેશીએ નારાયણ ભરવાડ પાસેથી કઠોરમાં મકાન ભાડે લીધુ અને ત્યાં અતિક પાસેથી રૉ મટીરીયલને ખરીદી કર્યા બાદ પ્રોસેસ કરીને એમ ડી ડ્રગ્સ તૈયાર કરીને ભાવનગરમાં જ રહેતા બે ડ્રગ્સ પેડલરની મદદથી વિવિધ જગ્યા પર સપ્લાય કરતા હતા. જ્યારે બાલી નામનો વ્યક્તિ નાણાંકીય વ્યવહાર સંભાળતો હતો. અત્યાર સુધી મુનાફ કુરેશીએ કરોડોની કિંમતનું એમ ડી તૈયાર કરીને વિવિધ સ્થળોએ સપ્લાય કર્યું હતું. જેમાં તેમની સાથે સંકળાયેલા ડ્રગ્સ ડીલરના નામ ખુલ્યા છે.