માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ
ગુજરાતના સૌથી મોટા કબુતરબાજીના કેસનો મામલો
બનાવટી પાસપોર્ટ અને વિઝા બનાવી આપવાની સાથે અમેરિકા માટેના ગ્રાહકો શોધવાનું કામ આરોપી કરતો હતો
અમદાવાદ,શનિવાર
ગુજરાતના સૌથી મોટા કબુતરબાજીના કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બોબી પટેલના ભાગીદાર અને એજન્ટ તરીકે કામ કરતા બિપિન દરજીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલો બિપિન પટેલ માસ્ટર માઇન્ડ બોબી પટેલને અમેરિકા જવા ઇચ્છુક યુવકો શોધી આપતો હતો. જેમના બોગસ પાસપોર્ટ અને વિઝા તૈયાર કરીને લાખો રૂપિયા લઇને ગેરકાયદે અમેરિકા મોકલવામાં આવતા હતા.
અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં બોબી પટેલ વિરૂદ્ધ નોઁધાયેલા કેસમાં બનાવટી પાસપોર્ટ અને અમેરિકા સહિતના દેશોના વિઝાનું કૌભાંડ સામે આવતા કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નોંધવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે અગાઉ બોબી પટેલ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય નવ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી.એસએમસીના ઇન્ચાર્જ ડીવાયએસપી આર જી ખાંટને બાતમી મળી હતી કે કબુતરબાજીના કેસનો આરોપી બિપિન દરજી (રહે. આસ્થા નિવાસ બંગ્લોઝ, રાધનપુર રોડ, મહેસાણા) વિજાપુર ચાર રસ્તા પાસે આવવાનો છે. જેના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી લેવાયો હતો.
પુછપરછમાં જાણવા મળ્યું હતું કે બિપિન દરજી પહેલા બોબી પટેલ માટે એજન્ટ તરીકે કામ કરતો હતો. બાદમાં તેને ભાગીદાર બનાવાયો હતો. તે અમેરિકા તેમજ અન્ય દેશોમા ંજવા ઇચ્છતા લોકોને શોધીને તેમને લાખો રૂપિયામાં બનાવટી પાસપોર્ટ અપાવીને વિઝા કઢાવીને મોટાપાયે કબુતર બાજી કરતો હતો. આ અંગે સ્ટેટ પોલીસે તપાસ શરૂ કરી છે.