આઇપીએલ પર સટ્ટો રમાડતા બે બુકીઓને આનંદનગરથી ઝડપી લેવાયા
'ટોમી ઉંઝા નામના બુકી પાસેથી માસ્ટર આઇડી ખરીદી કર્યું હતું
બુકી પાસેથી મળી આવેલા ચાર આઇડીમાંથી ૧.૫૪ કરોડનું બેલેન્સ મળી આવ્યું ઃ આઇપીએલની સીઝન શરૂ થઇ ત્યારથી મોટાપ્રમાણમાં ક્રિકેટ સટ્ટો રમાડતા હતા
અમદાવાદ,ગુરૂવાર
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે આનંદનગરમાં આવેલા આગમન એવન્યુ ફ્લેટ અને પલક-૨ એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને આઇપીએલ ટ-૨૦ મેચમાં ક્રિકેટ સટ્ટો રમાડતા બે બુકીઓને ઝડપી લીધા હતા. બુકીઓએ કુખ્યાત બુકી ટોમી ઉંઝા અને પ્રકાશ નામના બુકી પાસેથી માસ્ટર આઇડી મેળવીને આઇપીએલની મેચ પર મોટાપ્રમાણમાં સટ્ટો રમાડવાનું શરૂ કર્યું હતુ. તેમણે આપેલા પેટા આઇડીમાંથી પોલીસને કુલ ૧.૫૪ કરોડનું ેબેલેન્સ મળી આવ્યું હતું. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફને બાતમી મળી હતી કે આનંદનગર જોધપુરમાં આવેલા આગમન એવન્યુમાં સંગીન શાહ નામના બુકી આઇપીએલ પર સટ્ટો રમાડે છે. જે બાતમીને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર જી ખાંટ અને તેમની ટીમ દ્વારા દરોડો પાડીને સંગીન શાહને ઝડપી લીધો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઇ રહેલી મેચ પર સટ્ટો બુક કરતો હતો. તેણે બુકી પ્રકાશ અને ટોમી ઉંઝા પાસેથી આઇપીએલની મેચ શરૂ થઇ ત્યારે માસ્ટર આઇડી લીધુ હતુ.ં જેના આધારે તે મોટાપ્રમાણમાં સટ્ટો બુક કરવાની સાથે પેટા આઇડી આપતો હતો. પોલીસને તેની પાસેથી ચાર બુકીઓના પેટા આઇડી મળ્યા હતા. જેમાં કુલ ૧.૫૪ કરોડનું બેલન્સ હતુ. આ ઉપરાંત, જોધપુરમાં આવેલા પલક-૨ એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને પોલીસે ઘનશ્યામ મોદી નામના બુકીની ધરપકડ કરી હતી. તેની પાસે કોઇ ખાસ કામ ન હોવાથી તેણે આવક મેળવવા માટે આઇપીએલ પર સટ્ટો રમાડવા માટે પ્રકાશ પાસેથી આઇડી મેળવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.