Get The App

IIMમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા બે યુવકોને ઝડપી લેવાયા

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા છેલ્લાં ઘણા દિવસથી વોચ રાખવામાં આવી હતી

બાદશાહ નામના વ્યક્તિએ ડ્રગ્સનો જથ્થો આઇઆઇએમના નવા કેમ્પસ પાસે જઇને ફોન કર્યા બાદ ચોક્કસ વ્યક્તિને પહોંચતો કરવા સુચના આપી હતી

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
IIMમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા બે યુવકોને ઝડપી લેવાયા 1 - image

અમદાવાદ,બુધવાર

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ અમદાવાદ આઇઆઇએમમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા બે યુવકોને રૂપિયા સાડા પાંચ લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બને યુવકોને બાદશાહ અને અજમલ નામના ડ્રગ્સ સપ્લાયરે આઇઆઇએમના નવા કેમ્પસ પાસે પહોંચીને ફોન કર્યા બાદ એક વ્યક્તિને ડ્રગ્સ  પહોંચતુ કરવાની સુચના આપી હતી. ત્યારે આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના ગાંધીનગર સ્થિત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે દરિયાપુર પોપટીયાવાડમાં રહેતો મતીન શેખ અને તેનો મળતિયો શાહનવાઝ ઉર્ફે અંડા પઠાણ આઇઆઇએમના નવા કેમ્પસમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવવાના છે. જેના આધારે પોલીસે મંગળવારે સાંજે વોચ ગોઠવીને  શીવરંજનીથી આઇઆઇએમ જવાના રસ્તા પર વોચ ગોઠવીને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી રૂપિયા સાડા પાંચ લાખની કિંમતનું ૫૫ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે આ ડ્રગ્સનો જથ્થો બાદશાહખાન અને અજમલખાન પાસેથી લીધો હતો અને આઇઆઇએમ પાસે પહોંચીને બાદશાહના ફોન આવે ત્યારે એક વ્યક્તિને ચોક્કસ કોડ સાથે ડ્રગ્સ આપવાની સુચના આપવામાં આવી હતી. જે અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે એસએમસીના ડીવાયએસપી કે ટી કામરીયાએ જણાવ્યુ કે અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી પ્રિમિયમ ઇન્સ્ટીટયુટની આસપાસના નિયમિત રીતે ડ્રગ્સની સપ્લાય કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી.  એસએમસીની અલગ અલગ ટીમ દ્વારા છેલ્લાં ઘણા સમયથી વોચ રાખવામાં આવી હતી. જેમાં આઇઆઇએમમાં ડ્ગ્સ પહોંચતુ કરાતુ હોવાની લીડ મળતા વોચ ગોઠવીને આરોપીને ઝડપી લેવાયા છે. આ મામલે પોલીસ દ્વારા આઇઆઇએમમાં ડ્રગ્સ મંગાવનાર સામે પણ કાર્યવાહી થશે. 


Tags :