IIMમાં સપ્લાય કરવા માટે એમડી ડ્રગ્સ આપનાર બે આરોપીઓ ઝડપાયા
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા છેલ્લાં ઘણા દિવસથી વોચ રાખી હતી
બાદશાહ અને અજમલ નામના શખ્સોએ એમ ડી ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હતોઃ આઇઆઇએમમાં પુછપરછ કરાશે
અમદાવાદ,ગુરૂવાર
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓેએ આઇઆઇએમમાં કોઇ વ્યક્તિને એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે યુવકોને ઝડપી લીધા હતા. આ કેસમાં પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર બાદશાહ અને અજમલ નામના ડ્રગ્સ સપ્લાયર્સને ઝડપીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આઇઆઇએમમાં ડ્રગ્સ સપ્લાય અંગેનું નેટવર્કની વિગતો એકઠી કરી છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ આઇઆઇએમના નવા કેમ્પસ નજીક શાહનવાઝખાન પઠાણ અને મતીન શેખને રૂપિયા સાડા પાંચ લાખની કિંમતના એમ ડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. આ ડ્રગ્સનો જથ્થો આઇઆઇએમમાં પહોંચતો કરવાનો હતો. જે બાદશાહખાન અને અજમલ નામના શખ્સોએ ડ્રગ્સનો જથ્થો આઇઆઇએમ પાસે પહોંચીને એક વ્યક્તિને આપવાની સુચના આપી હતી. જે અંગે પોલીસે વધુ તપાસ કરીને બાદશાહખાન પઠાણ ( હમિદ ફ્લેટ, શાહપુર) અને અમજલખાન પઠાણ (અરબગલી, પોપટીયાવાડ, દરિયાપુર) ને ઝડપી લીધા હતા. પોલીસને ઝડપાયેલા આરોપીઓ આઇઆઇએમમાં ચોક્કસ વ્યક્તિને એમ ડી ડ્ગ્સનો જથ્થો નિયમિત રીતે સપ્લાય કરતા હોવાની વિગતો પણ મળી છે. આ અંગે પોલીસ આગામી સમયમાં આઇઆઇએમ કેમ્પસમાં કેટલાંક લોકોની પુછપરછ કરશે. બીજી તરફ પોલીસે બંને આરોપીઓને છ દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે.