સાયન્સ સીટી નજીક હોટલના પાર્કિગમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો
અમરેલીનો બુટલેગર રાજસ્થાનના સાંચોરથી દારૂ લાવ્યો
અમરેલીના અન્ય બુટલેગર માટે દારૂ લવાયો હતો એસએમસીને આરોપીને સોલા પોલીસને હવાલે કર્યો
અમદાવાદ,બુધવાર
શહેરના સાયન્સ સીટી રોડ પર આવેલા પરિશ્રમ એલીગન્ટ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગના સેલના સ્ટાફે દરોડો પાડીને અમરેલીના એક બુટલેગરની કારમાંથી રૂપિયા પાંચ લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલો બુટલેગર અમરેલીમાં રહેતા અન્ય એક બુટલેગર માટે સાંચોરથી દારૂનો જથ્થો લાવ્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફને બાતમી મળી હતી કે અમરેલીના માધવ કોમ્પ્લેક્સમાં રહેતો હાર્દિક માધવાણી નામનો બુટલેગર રાજસ્થાનના સાંચોરથી કારમાં દારૂનો જથ્થો લાવીને તે સાયન્સ સીટી રોડ પર આવેલા પરિશ્રમ એલીગન્સમાં આવેલી સીટીઝન હોટલમાં રાત રોકાયો છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા બેઝમેન્ટના પાર્કિગમાં એક કારમાંથી પાંચ લાખની કિંમતનો ૧૯૦૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. જેના આધારે હોટલના રૂમમાંથી હાર્દિક માધવાણીને ઝડપીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે અમરેલીના બહારપરામાં રહેતા અનિલ ચાવડા નામના બુટલેગર માટે સાંચોરથી હરસન નામના બુટલેગર પાસેથી દારૂ લાવીને અમરેલી જતો હતો. પરંતુ, રાતના સમયે પોલીસનું ચેકિંગ વધારે હોવાથી તેણે સવારે જવાનું નક્કી કર્યું હતુ અને તે હોટલમાં રોકાયો હતો. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુનો નોંધીને સોલા હાઇકોર્ટ પોલીસને હવાલે કરાયો હતો.
અન્ય બનાવમાં સી જી રોડ ગીરીશ કોલ્ડડ્રીક્સ પાસેથી સોએબ ઇબ્રાહિમ (મ્યુનિસપલ લેબર ક્વાટર્સ,જમાલપુર)ને રૂપિયા પાંચ લાખની કિંમતના એમ ડી ડ્ગ્સ સાથે ઝડપી લીધો હતો.
રામોલ-વાંચ રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રામોલમાં રહેતા એક બુટલેગરે ૪૮ લાખની કિંમતનો વિદેશી દારૂ મંગાવ્યો હોવાનું સામે આવ્યાની ઘટના અંગે રાજ્ય પોલીસ વડા દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. સાથેસાથે આ અંગે તપાસ કરીને રિપોર્ટ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ રામોલ પોલીસની શંકાસ્પદ ભૂમિકા હોવાનું પણ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે. જેથી આગામી સમયમાં આ મામલે મોટી કાર્યવાહી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે