ઈ-વ્હીકલ માટે મફત પાર્કિંગનો સુરત પાલિકાનો ઠરાવ, છતાં કોન્ટ્રાક્ટરો વસૂલી રહ્યા છે ચાર્જ

Surat Pay and Park : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સુરત મહાનગરપાલિકા ગ્રીન વ્હીકલ પોલીસી જાહેર કરી દીધી છે તેની સાથે જ સુરત પાલિકા દેશની પહેલી મહાનગરપાલિકા ગઈ છે. આ પોલીસીના કારણે ઈ-વ્હીકલ ખરીદીમાં સુરતીઓને ત્રણ હજારથી એક લાખ સુધીનો ટેક્ષમાં ફાયદો થઈ શકે છે. પરંતુ સુરત પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો પાલિકાની પોલીસી પર પાણી ફેરવી રહ્યા છે. પે એન્ડ પાર્કમાં ઈ વ્હીકલ માટે ફ્રી પાર્કિંગ અને 10 ટકા જગ્યા અનામત રાખવા પાલિકાએ નિર્ણય કર્યો છે પરંતુ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરોએ ઇલેક્ટ્રિક વાહનનું ચાર્જ લેવામાં આવશે તેવા બોર્ડ લગાવી દીધા છે. અને ઈ વ્હીકલના ચાલકો પાર્કિંગના પાસે પણ પૈસા વસુલી રહ્યા છે.
ગ્રીન વ્હીકલ પોલીસી જાહેર કરનારા દેશના પહેલા શહેર સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સને પાલિકાની પોલીસી સામે અણગમો હોય તેવું લાગી રહ્યું છે. પાલિકાએ ગ્રીન પોલીસીની સફળતા માટે નિયમો બનાવ્યા છે પરંતુ આ નિયમોના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો ધજાગરા ઉડાવી રહ્યાં છે. સુરતના અનેક પે એન્ડ પાર્કમાં ઈ-વ્હીકલનો ચાર્જ લેવામાં આવશે તેવા બોર્ડ જોવા મળી રહ્યાં છે. એટલું જ નહી પરંતુ ઈ વ્હીકલ પાર્ક કરનારા પાસે પાર્કિંગનો ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. વાહન ચાલકો પાલિકાની નીતિની વાત કરે તો તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે તેવી અનેક ફરિયાદ બહાર આવી રહી છે.
પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરોની આવી વર્તણૂકથી ઈ વ્હીકલ ધરાવનારાઓ માં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે પાલિકાના ઠરાવ બાદ પણ કોન્ટ્રાક્ટરોને ઈ-વ્હીકલ પરથી ચાર્જ વસૂલવાની છુટ કોણે આપી? ગ્રીન વ્હીકલ પોલીસીનો હેતુ પ્રદૂષણ ઘટાડવા અને નાગરિકોને ઈ-વ્હીકલ ખરીદવા પ્રોત્સાહિત કરવાનો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરોના વર્તનને કારણે નીતિ પર પાણી ફરી વળ્યું છે. પાલિકાની પોલીસી વિરુદ્ધ જઈને પે એન્ડ પાર્કમાં ઈ વ્હીકલના ચાર્જ વસુલનારા કોન્ટ્રાક્ટરો સામે પાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગણી થઈ રહી છે.