Gujarat

ડ્રેનેજનું કામ પૂરું...પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય

By GS TEAM
19 Jun 20262 mins read
TukuTouch Logo
અનેક રજૂઆત છતાં કાર્યવાહી નહીં, સ્થાનિકોમાં રોષ ; ‘કોઈ મોટી દુર્ઘટના પછી જ તંત્ર જાગશે? : ઈચ્છાપોરના ખડી મહોલ્લામાં ખોદાયેલો માર્ગ યથાવત, પ્રી-મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે પાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો

Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રેનેજનું કામ પૂરું...પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય

Surat Corporation : સુરત શહેરમાં ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું તાત્કાલિક પુનઃનિર્માણ કરવું મહાનગરપાલિકાની જવાબદારી હોવા છતાં ઈચ્છાપોર ખડી મહોલ્લામાં લાંબા સમયથી માર્ગ ખોદાયેલી હાલતમાં જ પડ્યો રહ્યો છે. ચોમાસું માથે આવી પહોંચ્યું હોવા છતાં તંત્રને રસ્તાના સમારકામ માટે જાણે સમય જ મળતો નથી. અનેક રજૂઆત છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વરસાદી પાણી ભરાવાની સ્થિતિમાં આ માર્ગ અકસ્માતનું કારણ બની શકે તેવી ભીતિ છે.

સુરત પાલિકા પ્રિમોન્સુન કામગીરી સંપૂર્ણ થઈ હોવાનો દાવો કરે છે પરંતુ બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાં પાલિકાની બેદરકારી બહાર આવી રહી છે. મળતી માહિતી મુજબ ઈચ્છાપોર ખાતે જલારામ મંદિર નજીક આવેલા ખડી મહોલ્લામાં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે માર્ગ હાલ ઊબડખાબડ અને જોખમી બની ગયો છે. રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો તેમજ સ્થાનિક રહિશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાના સમારકામ માટે અનેક વખત સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવામાં આવી છે. છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવમાં કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે.  ચોમાસાની સિઝન હવે શરૂ થવાની આરે છે ત્યારે આ માર્ગ વધુ જોખમી બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદી પાણી ભરાયા બાદ રસ્તા પર પડેલા ખાડા અને ખોદકામના નિશાન દેખાશે નહીં, જેના કારણે બાઈકચાલક, વાહન ચાલકો તેમજ રાહદારીઓ અકસ્માતનો ભોગ બની શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે નકારી શકાય તેમ નથી.