તૂટેલા રસ્તાઓથી કંટાળીને સુરત પાલિકા કમિશનરની અધિકારીઓને વોર્નિંગ, કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી ન થાય તો શો કોઝ નોટિસ માટે તૈયાર રહો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરતમાં તૂટેલા રસ્તા રીપેર કરવાના બદલે પાલિકાના અધિકારીઓ હાઈવેના રસ્તા સાથે પાલિકાના રસ્તાની સરખામણી કરી નિષ્ફળતા છુપાવી રહ્યાં છે. જોકે કમરતોડ રસ્તાના કારણે લોકોમાં ભારે રોષ છે અને હવે આ રસ્તાથી પાલિકા કમિશનર પણ અકળાયા છે. આજે અધિકારીઓ સાથે થયેલી રિવ્યુ બેઠકમાં મ્યુનિ. કમિશનરે કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું રસ્તાની ડીએલપી બાકી હોય તો પણ શું રસ્તા પર ખાડા પડવા જોઇએ? આ ઉપરાંત માત્ર કાગળ પર કામગીરી નથી કરવાની. જો તમે કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી નહી કરશો તો શો કોઝ નોટિસ માટે તૈયાર રહેજો. બિસ્માર રસ્તા મુદ્દે મ્યુનિ. કમિશ્નરનું આક્રમક વલણ જોઈ અધિકારીઓ ચોંકી ગયા હતા.
ચોમાસાની શરૂઆત સાથે સ્માર્ટ સીટી સુરત ખાડા સીટી બની રહ્યું છે શહેરના મોટાભાગના રસ્તા બિસ્માર થયાં છે અને આવા કમરતોડ રસ્તા રીપેર કરવાના બદલે પાલિકાના અધિકારીઓ આવા રસ્તા પર કોઈ મરી નહી જાય અને હાઈવે કરતા તો પાલિકાના રસ્તા સારા છે તેવી સરખામણી કરી રહ્યાં છે. પાલિકાના અધિકારીઓની આવી નબળી કામગીરી અને નફ્ફટ જવાના કારણે સુરતની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે પાલિકા કમિશનર દ્વારા પાલિકાની કામગીરીની સમીક્ષા માટે બેઠક કરી હતી. જેમાં રસ્તા મુદ્દે અધિકારીઓના જવાબ સાંભળી તેઓ આક્રમક બની ગયા હતા.
પાલિકા કમિશનર બિસ્માર રસ્તા મુદ્દે ઝાટકણી કાઢી હતી. તો અધિકારીએ સરકારી જવાબ આપતાં કહ્યું હતું કે તૂટી ગયેલા તમામ રસ્તા ડીએલપી (ડીફેક્ટ લાઇબલીયી પિરિયડ)માં આવે છે. એટલે કોન્ટ્રાક્ટર પાસે રસ્તા રીપેરીંગ કરાવી લઈશું અધિકારીના આ જવાબ સાથે મ્યુનિ. કમિશનરે સ્પષ્ટ કહ્યું હતું કે, રસ્તાની ડીએલપી બાકી હોય તો પણ શું રસ્તા પર ખાડા પડવા જોઇએ?
આ ઉપરાંત અધિકારીઓને સ્પષ્ટ કહી દીધું હતું કે,માત્ર કાગળ પર કામ કરવાથી નહી ચાલે કોન્ટ્રાકટર સામે કડકાઈથી કામ કરવું પડશે જો તમે કોન્ટ્રાકટરોને નોટીસ નહી આપશો તો હું તમને શો-કોઝ નોટિસ આપીશ આવું કહેતા કોન્ટ્રાક્ટર અને પોતાની કામગીરી પર ઢાંક પીછોડ કરતા અધિકારીઓ ચુપ થઈ ગયાં હતા.
આ સમીક્ષા બેઠકમાં સુરતના રસ્તા બિસ્માર હોવા છતાં અધિકારીઓએ ખાડાની ગણતરી કરી તેવા જાદુઈ આંકડાથી ઓછા રસ્તા બિસ્માર છે તેવું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે, શહેરના કુલ રસ્તા પૈકીના માત્ર 0.55 ટકા રસ્તા જ ડેમેજ થયા છે. શહેરના કુલ 4500 કિ.મી રસ્તાની લંબાઈ છે તે પૈકી આજદિન સુધીમાં કુલ 24.90 કિ.મી એટલે કે, કુલ રસ્તાની લંબાઈના માત્ર 0.55 ટકા રસ્તા ડેમેજ થયા છે. અને તે પૈકીના 21.88 કિ.મી એટલે કે, 87.82 ટકા રસ્તાની રીપેરીંગ કામ કરાયું છે. એટલે કે, ડેમેજ થયેલા રસ્તાઓ પૈકી માત્ર 3.02 કિ.મી રસ્તા એટેન્ડ થવાના બાકી છે. આ ઉપરાંત આજ સુધીમાં કુલ 2696 રીપેર કરવાના પોટ હોલ્સ પૈકી 2461 પોટ હોલ્સ રીપેર કરી દીધા છે અને 235 પોટ હોલ્સ રીપેરીંગ કરવાના બાકી છે. તેમજ 299 રીપેર કરવા જેવા રસ્તા પૈકી 224 રસ્તા રીપેર થઈ ચુક્યા છે અને 75 રસ્તાઓ રીપેર કરવાના બાકી છે. તેવા આંકડા રજૂ કર્યા હતા.
જોકે, આ આંકડામાં પડ્યા વિના પાલિકા કમિશનરે અધિકારીઓને સ્થળ પર કામગીરી કરવા તથા કોન્ટ્રાક્ટરોને છાવરવાના બદલે કામગીરી નકકર નહી કરવામાં આવે તો શિક્ષાત્મક પગલાં માટે તૈયાર રહેવાની ચીમકી આપી દીધી છે.









