વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી SMCએ કૂલર અને કપડાના જથ્થાની આડમાં દારૂનો જથ્થો ભરેલ અલ્પુ સિંધીનું કન્ટેનર ઝડપી પાડ્યું
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને વડોદરા - અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપરથી કૂલર અને કપડાના જથ્થાની આડમાં દારૂનો જથ્થો ભરેલ કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીના કન્ટેનરને ચાલક સાથે ઝડપી પાડી કુલ દારૂ -બિયરના 9003 નંગ સહિત રૂ. 44.97 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી અલ્પુ સહિત અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, દારૂનો જથ્થો ભરેલ બંધ બોડીનું કન્ટેનર વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ પસાર થઈ રહ્યું છે. તારીખ 8 મે ગુરૂવારના રોજ રાત્રે એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનર ચાલકને પોલીસ પીછો કરી રહી હોવાની ગંધ આવી જતા પકડાઈ જવાની બીકે કન્ટેનર આંકલવાડી ગામ પાસે હાઈવેની સાઇડમાં ઊભું કરી ગામ તરફ નાસી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ સમયે પડી જવાથી કન્ટેનર ચાલકને માથાના ભાગે ઇજા પહોંચી હતી. પોલીસની પ્રાથમિક પુછતાછમાં ચાલક રહમુદ્દીન ખાલિદ મેવ (રહે - તીજરા, અલવર,રાજસ્થાન) હોવાનું બહાર આવ્યું હતું. ઘટના અંગે પોલીસ કંટ્રોલને જાણ કરતા વાસદ પોલીસની હદ હોય વાસદ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. કન્ટેનરનું સીલ તોડી આગળથી કુલર અને બોક્સ હટાવી જોતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વાસદ પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર અલ્પેશ ઉર્ફે અલ્પુ હરમલદાસ વાઘવાણી (રહે - સંતકવર કોલોની, વારસિયા, વડોદરા), કન્ટેનર માલિક, અલ્પુનો સાગરીત તથા દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કન્ટેનર ચાલકની અટકાયત કરી રૂ.29,40,640ની કિંમતના દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન કુલ નંગ 9003, રૂ.24 હજારની કિંમતના 8 મોટા કુલર, રૂ. 20 હજારની કિંમતના 10 નાના કુલર, કપડા ભરેલ 14 પુઠ્ઠાના બોક્સ, આરોપી પાસેથી મળી આવેલ રોકડ રૂ.4,350, એક મોબાઈલ ફોન તથા રૂ.15 લાખની કિંમતનું કન્ટેનર સહિત કુલ રૂ. 44,97,990નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ડભોઇ નજીક પણ દારૂ ભરેલ કન્ટેનરની ડિલિવરી આપી હતી
10-12 દિવસ અગાઉ પણ અલ્પુએ આરોપીને આ જ કન્ટેનરમાં દારૂનો જથ્થો ફરી આપ્યો હતો. જે દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર આરોપી વડોદરા લઈ આવતા ડભોઇ નજીક અલ્પુના માણસો કન્ટેનર લઈ ગયા હતા. અને દારૂનો જથ્થો ખાલી કરી કન્ટેનર પરત આપી ગયા હતા.
કન્ટેનર રાજસ્થાનથી ભિવંડી અને ભિવંડીથી વડોદરા સુધી બિન્દાસ પસાર થયું
દારૂનો જથ્થો ભરેલ આ કન્ટેનર રાજસ્થાનના દૌસાથી નીકળી સ્વઇ માધોપર , કોટા, રતલામ બાયપાસ, લેવડ, સેંઘવા, ધુલિયા, માલેગાવ, નાસિક થઈ ભીવંડી પહોંચ્યું હતું. અને ત્યાંથી પરત વાપી ,સુરત, કરજણ, વડોદરા થઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ચડ્યું હતું.
પોલીસને ગુમરાહ કરવા અલ્પુએ સતત કન્ટેનરના લોકેશન બદલ્યા
આરોપીએ કબુલાત કરી હતી કે, મિત્ર ધરમપાલ યાદવ (રહે- રેવાડી, હરિયાણા) એ અલ્પૂ સિંધી સાથે પરિચય કરાવ્યો હતો, રાજસ્થાન દૌસા ખાતે બોલાવી અલ્પુ તેના સાગરીત સાથે હાજર હોય દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર આપ્યું હતું, જે કન્ટેનર મોબાઈલ ફોનમાં સૂચના મુજબ ભિવંડી લઈ જઈ ત્યાંથી વડોદરા થઈ એક્સપ્રેસ હાઈવે ઉપર લઇ જતા અલ્પુએ જણાવ્યું હતું કે, તુ આગળ ચાલતો રહે... આગળનું લોકેશન પછી આપુ છું.
અલ્પુ સિંધીને દબોચવા 8 ટીમો કામે લાગી છે
શહેરના વારસીયાના એસ.કે. કોલોનીમાં રહેતો બુટલેગહર હેરી રમેશ લુધવાણીની કાર ચિન્ટુ રાણા પાસેથી રવિ દેવજાણી લઇ ગયો હતો. કાર પરત ન આવતા હેરીએ રવિ પાસેથી કાર માંગી હતી. જે અલ્પુ સિંધી લઇ ગયો હોવાનું જણાવતા અલ્પુ જોડે કાર માંગતા ફતેગંજ બ્રિજ પર હેરીનું મોપેડ આંતરીને અલ્પુ સિંધી, મુકેશ ગોસ્વામી, રવિ દેવજાણી, અને રાજુએ રોકી બેભાન થતા સુધી માર્યો હતો. જે મામલે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.