સુરતના ઉધનામાં કેમિકલવાળું પાણી જાહેર રસ્તા પર આવે છે તેના માટે પાલિકા અને જીપીસીબી જવાબદાર : ભાજપ કોર્પોરેટર
Surat : સુરતના ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકાની ડ્રેનેજમાં કેમીકલવાળા પાણી છોડવાની સમસ્યા માઝા મુકી રહી છે. આ સમસ્યા સામે ઉધનાના ધારાસભ્યએ અવાજ ઉઠાવી જીપીસીબીની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારબાદ હવે ઉધના વિસ્તારમાં ભાજપના જ કોર્પોરેટરે ઉધનામાં કેમિકલવાળું પાણી જાહેર રસ્તા પર આવે છે તેના માટે પાલિકા અને જીપીસીબી જવાબદાર હોવાનું જણાવ્યા ઉપરાંત હપ્તા ખોરી કરી છે તેવા કર્મચારી અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરી છે.
સુરતના ઉધના વિસ્તારમાં પાલિકાની ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી આવતું હોવાની અનેક ફરિયાદ છે અને પાલિકાએ સમયાંતરે તપેલા ડાઈંગ સીલ કરવા અને ડ્રેનેજ કનેક્શન કાપવા માટેની કામગીરી કરી છે. પરંતુ કાયદામાં છીંડા અને હપ્તાખોરી ના કારણે ફરીથી જાહેર રસ્તા અને ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી આવવાની ફરિયાદ થઈ હતી. થોડા દિવસ પહેલા ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે જીપીસીબીની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવવા સાથે જીપીસીબીના અધિકારી ફોન નહી ઉચકતા હોવાની ફરિયાદ કરી હતી.
તો હવે ઉધના વિસ્તારના ભાજપના કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠાએ પણ આ સમસ્યા સામે અવાજ ઉઠાવી કહ્યું છે, છેલ્લા ત્રણેક વર્ષથી સુરત પાલિકાની સામાન્ય સભા પક્ષની સંકલન કે અન્ય કોઈ બેઠક હોય તેમાં હું અમારા વિસ્તારમાં તપેલા ડાઈંગ કે મીલવાળા કેમિકલવાળું પાણી છોડે છે તે મુદ્દે પ્રશ્ન ઉઠાવતો આવ્યો છું. આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગ અને શ્રમજીવી લોકો વસવાટ કરે છે. આ લોકોના વસવાટની નજીક જ કેમિકલવાળા પાણીની સમસ્યા વિકટ બની રહી છે તેનો અવાજ હું ઉઠાવું છું. હાલમાં આ વિસ્તારમા આવેલા મફતનગરમાં કેમિકલવાળું પાણી મીલવાળા છોડી રહ્યા છે. આ સમસ્યા સામે જીપીસીબી કે પાલિકાની કોઈ પ્રકારની વોચ ન હોય તેઓ કેમિકલવાળું પાણી ટ્રીટ કર્યા વિના છોડી રહ્યા છે.
તેઓએ આક્ષેપ કર્યો હતો કે ઉધના ઝોનમાં આ પહેલા જે કાર્યપાલક ઇજનેર હતા તે સુજન પ્રજાપતિની કરામત છે. તેઓએ આ વિસ્તારમાં ગેરકાયદે કામો થવા દીધા છે તેવા ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું છે કે, આ ગેરકાયદે બાંધકામમાં તપેલા ડાઈંગ બની ગઈ છે અગાઉ 42 તપેલા ડાઈંગ સીલ કરવામાં આવી હતી પરંતુ તે કામગીરી કામચલાઉ હતી. ક્યાંકને ક્યાંક ડ્રેનેજ વિભાગ તથા આ કામગીરી સાથે જોડાયેલા કર્મચારી-અધિકારીઓ હપ્તાખોરી કરી રહ્યાં છે. આવા અધિકારી-કર્મચારીઓ સામે કાયદેસરના ફોજદારી ગુના નોંધી કામગીરી થાય તેવી માંગ કરવામાં આવી છે.
ભાજપના જ કોર્પોરેટર દ્વારા અધિકારી-કર્મચારીઓ હપ્તા ખોરી કરે છે અને તેની સામે કામગીરી થવી જોઈએ તેવી માંગ કરી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા નકારી શકાતી નથી.