Smart Meters Protest : રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને દેકારો મચ્યો છે. હાલ ગુજરાતમાં જ્યાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે હવે સ્માર્ટ મીટર પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક તરફ પ્રજાજનોના વિરોધ બાદ રાજ્ય સરકારે એક હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્માર્ટ મીટરને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્માર્ટ મીટર વિરૂદ્ધની લડાઈમાં જનતાની સાથે કોંગ્રેસ હોવાની વાત કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, 'સરકારે જો સ્માર્ટ મીટર લગાવવા હોય તો કેટલાક યુનિટ ફ્રી વીજળી આપો.'
'મોંઘવારીના માર વચ્ચે આ મહિલાઓના મંગળસૂત્ર વેચવાનો પ્રયાસ'
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, 'ગુજરાતની જનતા રાહ જોઈ રહી હતી કે મોંઘવારીથી રાહત મળે પરંતુ રાજ્ય સરકારે રાહતના બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવાની શરૂઆત કરી છે. જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ છે ત્યાં તેનો વિરોધ થઈ રહ્યો છે. એક તરફ ગૃહિણીઓની ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, સંતાનોની સ્કૂલ-ટ્યૂશન ફી ફરવાના પૈસા ન હોય અને ઉપરથી આ સ્માર્ટ મીટર નવો બોજ બન્યું છે. મહિલાઓ કહી રહી છે કે સ્માર્ટ મીટરના નામે આ મહિલાઓના મંગળસૂત્ર વેચવાનો પ્રયાસ છે.'
'1.64 કરોડ મીટર લગાવીને 500 કરોડ રૂપિયા એડવાન્સમાં વસૂલવાનો કારસો'
અમિત ચાવડાએ કહ્યું કે, 'સરકારની વિવિધ વીજ કંપનીઓ દ્વારા આવનારા દિવસોમાં 1.64 કરોડ સ્માર્ટ લગાવવાનું આયોજન છે. તેની ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે સ્માર્ટ મીટરમાં મિનિમમ 300 રૂપિયાનું બેલેન્સ ફરજિયાત રાખવું પડે. આમ 1.64 કરોડ મીટર લગાવાના છે, તેનો સ્પષ્ટ મતલબ છે કે 500 કરોડ રૂપિયા એડવાન્સમાં વસૂલવાનો આ કારસો છે.'
'મીટર ફાસ્ટ ફરી રહ્યા છે અને બિલ વધુ આવે છે, જો મીટર લગાવવું હોય તો...'
વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, અનેક રાજ્યોમાં વિપક્ષી સરકાર છે. જ્યાં 100 યુનિટ અને 200 યુનિટ વીજળી ફ્રી છે. તો ગુજરાત સરકારે કેટલાક યુનિટ ફ્રી રાખીને સ્માર્ટ મીટર લગાવ્યા હોત તો આવકાર્ય હતું. પાયલોટ પ્રોજેક્ટ હતો તો ફરજિયાત શું કામ કર્યું. પ્રજાને મીટર લગાવવામાં ઓપ્શન શા માટે નથી આપતા. જેમની સ્માર્ટ મીટર લગાવવું હોય તે સ્માર્ટ મીટર લગાવે અને જેમની જૂનું મીટરથી ચલાવવું હોય તે જૂનું મીટર રાખે. પરંતુ ધાક-ધમકી અને પોલીસનો ઉપયોગ કરીને જબરદસ્તીથી ઠેર-ઠેર સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. રાજકોટ, વડોદરા, સુરતમાં ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે મીટરોમાં છબરડા છે, મીટર ફાસ્ટ ફરી રહ્યા છે, રિચાર્જ ઝડપથી પૂરુ થઈ જાય છે, પહેલા કરતા વધુ બિલ આવે છે. જ્યાં 1000નું મહિને બિલ આવતું હતું તેમને રોજના 350 રૂપિયા કપાય છે. ઘણી જગ્યાએ 2 મહિનાના 4500 રૂપિયા બિલ આવતું હતું, પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 20 દિવસમાં 4000 રૂપિયા કપાઈ ગયા.'
'રિચાર્જ અડધી રાત્રે પુરૂ થાય તો લાઈટ પણ વઈ જાય'
અમિત ચાવડાએ કહ્યું કે, 'વિરોધ હોવા છતા સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે. સરકાર કહી રહી છે કે અમે કોઈ પણ સંજોગોમાં આ લૂંટથી રાહત નહીં આપીએ. અમારી માંગ છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે. તમે ટેક્નોલોજીની વાત કરો છો, રિચાર્જની વાત કરો છો. તો સીમકાર્ડની જેમ પોસ્ટપેઈડ અને પ્રીપેઇડના ઓપ્શન હોય છે તેવા ઓપ્શન આપો. સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરાવવું પડે છે, જો રિચાર્જ અડધી રાત્રે પૂરૂ થાય તો લાઈટ પણ વઈ જાય. આવું ભણવાના અને સૂવાના સમયે થાય તો પ્રજા હેરાન થઈ જાય. બીજું કે તેના રિચાર્જ માટે સ્માર્ટ ફોન જોઈએ અને ગરીબ હાલ સ્માર્ટ ફોન ક્યાંથી લાવે. સરકારને લૂંટવા માટે સ્માર્ટ મીટર લગાવવાપવા હોય તો સ્માર્ટ ફોન આપવો પડે. પરંતુ સરકાર સ્માર્ટ ફોન નથી આપવાની. આને તઘલખી નિર્ણય કહેવાય. પહેલા 200 યુનિટ વિજળી ફ્રી આપો, વીજ મીટર માટે વિકલ્પ આપો કે જેને લગાવવા હોય તે લગાવે તેને ફરજિયાત ના કરો.'
'સ્માર્ટ મીટર વિરૂદ્ધની લડાઈમાં કોંગ્રેસ પ્રજાની સાથે'
અમિત ચાવડાએ કહ્યું કે, 'પ્રશાસન, પોલીસ અને સરકાર તંત્રનો દૂરૂપયોગ કરીને જો વીજ મીટર લગાવશો તો જે રીતે વિરોધ વંટોળ શરૂ થયો છે તેમાં કોંગ્રેસ લોકોની સાથે છે. આવનારા સમયમાં જે લડાઈ છે, તેમાં કોંગ્રેસ પ્રજાની સાથે રહીને સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગની લડાઈ લડશે. ગુજરાતીઓને લૂંટવાનો કારસો છે તેની સામે સખત વિરોધ કરવામાં આવશે.'
મોરબી જિલ્લામાં સ્માર્ટ મીટર મૂકવામાં આવેશે તો તેનો વિરોધ કરશું : કોંગ્રેસ
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, GEB દ્વારા ઘરે ઘરે ફરી પરાણે લોકોના ઘરમાં સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી થઈ રહી છે તે ગેરકાયદેસર છે. કારણ કે, એડવાન્સ પૈસા ભરી રિચાર્જ કરાવો તો જ પાવર વાપરવા મળે તે ગેરકાયદેસર છે. વસ્તુ ખરીદીએ ત્યાર બાદ જ પૈસા ચૂકવવા ના હોય જેના બદલે GEB પહેલા પૈસા બાદમાં પાવર આપવા માંગે છે તે વ્યાજબી નથી તેવી જ રીતે આ સ્માર્ટ મીટરને કારણે બેરોજગારી વધશે. કારણ કે, મીટર રીડર તેમજ જી.ઇ.બી.ના કલેક્શન કરતા લોકોને પણ નોકરીમાંથી છુટા કરવા પડે તેથી લોકોમાં બેરોજગારી વધશે.
તેમજ કોંગ્રેસે આ સ્માર્ટ મીટર ખામી યુક્ત હોવાનું જમાવી પહેલા લોકોને બે મહિનાનો પાવર વપરાશ 3 હજાર રૂપિયા હતો અને આ સ્માર્ટ મીટર લગાવવાથી 3 હજારના બદલે આ સ્માર્ટની મીટર થી 20 દિવસમાં 3 હજાર રૂપિયાનો પાવર વપરાશ બતાવવામાં આવે છે આમ મીટરમાં ખામી રાખી પ્રજા પાસેથી વઘારે પૈસાની લૂંટ કરવામાં આવી રહી છે. આવા સ્માર્ટ મીટર મોરબી જિલ્લામાં કોઈ પણ વિસ્તારમાં નાખવામાં ના આવે અને જો દબાણ કરી નાખવાનો પ્રયત્ન કરવામાં આવશે તો પ્રજાને સાથે લઈ આંદોલન કરવામાં આવશે એવું કોંગ્રેસ આગેવાનોએ એલાન કર્યું છે.
અનેક શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો
ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથો-સાથ જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે.
સ્માર્ટ મીટરને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ
અગાઉ રાજ્યની ચારેય વીજ કંપનીઓને વડાઓને ગાંધીનગરનું તેડુ મોકલાયુ હતું. પાટનગરમા ઉર્જા વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા છે. વડોદરાના નાગરિકે સ્માર્ટ મીટરને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.


