તળાજા તાલુકાના મથાવડા ગામે નિદ્રાધિન વૃદ્ધાની લૂંટ સાથે હત્યા
- અલંગ મરીન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
- વૃદ્ધા છેલ્લા દસેક વર્ષથી પરિવારથી અલગ એકલા કાચુ મકાન બનાવીને રહેતા હતા : રૂા. 1.6 લાખના ઘરેણાંની લૂંટ
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે તળાજા તાલુકાના મથાવડા ગામના નાના તળાવની બાજુમાં ચરાણની જગ્યામાં છેલ્લા આશરે ૧૦ વર્ષથી પોતાના પરિવારથી અલગ કાચુ મકાન બનાવીને એકલા રહેતા વૃદ્ધા રાજુબેન ટેકાભાઈ સોલંકી (ઉ.વ.૭૦)નો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ આજે સવારે ૮.૩૦ કલાકના અરસામાં તેમના ઘરેથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં અલંગ મરીન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને કબ્જે લઈ પીએમ અર્થે ભાવનગર ખસેડી ફરિયાદ નોંધી હત્યારાને શોધવા તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે વૃદ્ધાના પુત્ર ડાયાભાઈ ટેકાભાઈ સોલંકીએ અલંગ મરીન પોલીસ મથકમાં અજાણ્યા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, નાના તળાવની ચરાણની જગ્યામાં અલગ ઓરડીમાં રહેતા તેમના બા રાજુબેન ટેકાભાઈ સોલંકી (ઉ.વ.૭૦)ની ગત સાંજના ૬ કલાકથી આજે વહેલી સવારના ૮.૩૦ કલાકના અરસામાં કોઈ અજાણ્યા ઈસમે લૂંટ કરવાના ઈરાદે ઓરડીમાં પ્રવેશ કરી તેમણે પહેરેલા રૂ.૧,૦૬,૦૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના લૂંટી તેમના બાનું મોં રુમાલથી બાંધી માતાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી. આ અંગે અલંગ મરીન પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા તથા પુરાવાઓ એકઠા કરવા માટે ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ., એલ.સી.બી સહિતની ભાવનગર પોલીસની ટીમોન મદદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે મૃતક વૃદ્ધા અવારનવાર પોતાની પાસે રહેલા પૈસા અને ઘરેણાં અંગે અન્ય લોકોને જણાવતા રહેતા હોવાથી આ વારદાતને અંજામ આપવામાં કોઈ જાણભેદુ હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
હત્યામાં ઉપયોગમાં લેવાયેલુ હથિયાર પોલીસને મળ્યું, તપાસનો ધમધમાટ શરૂ
મળતી વિગતો પ્રમાણે ઘટના સ્થળે પહોંચેલી અલંગ મરીન પોલીસને તપાસ દરમિયાન વૃદ્ધા જ્યાં રહે છે ત્યાંથી થોડે દુર હત્યામાં ઉપયોગમાં લેવાયેલો લાકડાનો ધોકો મળી આવ્યો છે. સ્થાનિક તથા પરિવારજનોના નિવેદનો તથા હૃુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ આ કેસમાં શંકાસ્પદ લોકોની સઘન પુછપરછ કરી રહી છે.