Gujarat

બોગસ મત નાખવા ના પાડતા પ્રિસાઇડિંગને થપ્પડ મારી લીધી

By GS TEAM
19 Jun 20252 mins read
બોગસ મત નાખવા ના પાડતા પ્રિસાઇડિંગને થપ્પડ મારી લીધી

ભેંસાણના નવા વાઘણીયામાં ભાજપ કાર્યકરોની દાદાગીરી પ્રિસાઇડિંગે સી.યુ. બંધ કરી દેતા કાર્યકરો નાસી ગયા બાદ પોલીસનો સ્ટાફ પહોંચ્યો

જૂનાગઢ, : વિસાવદર વિધાનસભા બેઠક હેઠળના ભેંસાણ તાલુકાના નવા વાઘણીયામાં આજે બપોરબાદ ભાજપના કાર્યકરોએ મતદાન મથકમાં જઇ બોગસ મત નાખવા પ્રયાસ કર્યો હતો. પ્રિસાઈડિંગે ના પાડતા ભાજપના કાર્યકરોએ તેને લાફો મારી લીધો હતો. બાદમાં સી.યુ. બંધ કરી પોલીસને જાણ કરવામાં આવતા ભાજપના કાર્યકરો નાસી ગયા હતા. બાદમાં પોલીસ પહોંચી હતી. આ બનાવથી ચકચાર વ્યાપી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ ભેંસાણ તાલુકાના નવા વાઘણીયામાં આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત મતદાન થયું હતું. ૨૯૩ મતદારો ધરાવતા આ બુથમાં બપોર સુધી બધું વ્યવસ્થિત ચાલ્યું હતું. ચારેક વાગ્યા બાદ ભાજપના 10-15  કાર્યકરો છ સાત કારમાં નવા વાઘણીયાના મતદાન મથક પર ગયા હતા. જ્યાં ત્યાં સુધીમાં ૨૦૦ જેટલા મતદારોનું મતદાન થઈ ગયું હતું. ત્યારે ભાજપના 10-15કાર્યકરો ત્યાં આવ્યા હતા અને બોગસ મતદાન કરવા વાત કરી હતી ત્યારે પ્રિસાઈડીંગ ઓફિસરે હાથ જોડી ના પાડી હતી આથી ત્યારે આ લોકો જતા રહ્યા હતા. થોડીવાર બાદ ફરી આવ્યા હતા અને બોગસ મત નાખવા પ્રયાસ કર્યો હતો પણ પ્રિસાઈડીંગ ઓફિસરે બોગસ મત નાખવા ના પાડતા આ કાર્યકરોએ પ્રિસાઇડીંગ ઓફિસરને થપ્પડ મારી હતી. સામે પ્રિસાઈડીંગ ઓફિસરે પ્રતિકાર કર્યો હતો અને સી.યુ. બંધ કરી પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી ત્યાં સુધીમાં આ કાર્યકરો જતા રહ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિતના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. આપના આગેવાનોએ  જણાવ્યું હતું કે આજે વિસાવદર મતક્ષેત્રના લોકોએ ભાજપની તાનાશાહીને જોઈ છે. ભાજપના બોગસ વોટ નાખવાના કારસ્તાન પછીય પણ તેના ઉમેદવાર જીતે એમ ન હોવાનો દાવો કર્યો હતો.

અમુક મતદાન મથક પર મતદાર સાથે જઈને મત નાંખ્યાંના CCTV

આપના આગેવાનોએ જણાવ્યું હતું કે અમુક મતદાન મથકમાં પોલીંગ સ્ટાફની હાજરીમાં અમુક કાર્યકરોએ મતદારની સાથે મતકુટિરમાં જઇ પોતે મત નાખ્યાંના સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે. ત્યારે આ બાબત પણ શંકાસ્પદ જણાય છે. ચૂંટણી તંત્ર આ બાબતે તપાસ કરે એવી પણ માંગ કરવામાં આવી છે.