આણંદ જિલ્લામાં ચામડી દઝાડતી ગરમી : તાપમાન 45 ડિગ્રી પહોંચ્યું
- બીજી મે સુધી 45 થી 46 ડિગ્રી સુધી રહેશે
- કાળઝાળ ગરમીમાં બજારો, રસ્તાઓ સુમસામ સાંજે ઠંડક પ્રસરતા લોકો લટાર મારવા નીકળ્યાં
આણંદ કૃષિ હવામાન વિભાગના અહેવાલ અનુસાર ગઈકાલે મહત્તમ તાપમાન ૩૯.૫ ડીગ્રી, લઘુત્તમ ૨૫.૫, ભેજના ટકા ૮૦ અને પવનની ગતિ ૪.૫ પ્રતિ કલાકની રહેવા પામી હતી. સવારથી કાળઝાળ ગરમીનો અહેસાસ થતા સવારના ૧૧ વાગ્યે પારો ૩૮, ૧૨ વાગ્યે ૪૦ ડિગ્રી થઈ ગયો હતો. બપોરના બે વાગ્યા સુધીમા ૪૪ અને સાંજના ચાર વાગ્યે ૪૫ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું હતું. કાળઝાળ ગરમીને કારણે બજારો અને રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા.
આગામી તા. બીજી મે સુધી પારો ૪૫થી ૪૬ ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે. આણંદ જિલ્લામાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરમીને કારણે ગામડાઓમાં લૂ લાગવાના બનાવો પણ થયા હતા. આણંદ શહેર સહિત જિલ્લાના શહેરોમાં મોડી સાંજે ઠંડક પ્રસરી જતા મહિલાઓ સહિત લોકો ગરમીથી બચવા જાહેર માર્ગો ઉપર લટાર મારતા જોવા મળ્યા હતા. શેરડીનો રસ ઠંડા પીણા અને આઈસ્ક્રીમ પાર્લરોએ ભીડ જામી હતી.