અરવલ્લીમાં બે જ દિવસમાં છ લોકોના હૃદયરોગના હુમલાથી મોત, એક ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં ઢળી પડ્યા
Heart Attack In Arvalli: છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં હૃદયરોગના હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે અરવલ્લી જિલ્લામાંથી બે દિવસમાં હૃદયરોગના હુમલાથી છ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. માલપુર અને મેઘરજમાં બે જ્યારે સાઠંબા એક અને મોડાસામાં એકનું મોત થયું છે. હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલા લોકોની ઉમરની 23 વર્ષથી 73 વર્ષ સુધીની હતી.
હૃદયરોગના હુમલાથી બે દિવસમાં છ લોકોના મોત
અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે રહેતા ધીમંત ત્રિવેદીને હૃદયરોગનો હુમલા આવતા તેઓ અચાનક ઢળી પડ્યા હતા. જે બાદ પરિવારજનો તેમને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેઓેને મૃત જાહેર કર્યા હતા. બાયડના સાઠંબામાં 62 વર્ષીય પ્રવીણ દરજીનું પણ હૃદય બંધ થતાં મોત થયું હતું. તો 66 વર્ષીય મૂળસિંહ સીસોદીયા માર્કેટિંગ યાર્ડમાં અનાજ વેચવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવતા તેઓ ઢળી પડ્યા હતા અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. છેલ્લા બે દિવસમાં છ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
હૃદયરોગનો હુમલો શું છે?
જ્યારે હૃદયરોગનો હુમલો આવે છે, ત્યારે હૃદયના સ્નાયુના એક ભાગમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે અને આ કોરોનરી ધમનીઓમાં કોઈ બ્લોકેઝ થવાના કારણે થાય છે. હૃદયને રક્ત પુરવઠો બે મુખ્ય કોરોનરી ધમનીઓમાંથી આવે છે. બે ધમનીઓ રાઈટ એન્ડ લેફ્ટ સાઈડમાં હોય છે. જ્યારે આ ધમનીઓમાં કોઈ બ્લોકેજ હોય ત્યારે હૃદયરોગનો હુમલો આવે છે.