Gujarat

બાઈક સવાર પરિવારને અડફેટે લેનાર કારચાલકને છ માસની સજા

By GS TEAM
28 Mar 20262 mins read
બાઈક સવાર પરિવારને અડફેટે લેનાર કારચાલકને છ માસની સજા

ત્રણ વર્ષ અગાઉ મોટેરા કોટેશ્વર રોડ ઉપર

પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજા થઈ હતી ઃ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટનો ચુકાદો

ગાંધીનગર :  મોટેરા કોટેશ્વર વિસ્તારમાં પુરઝડપે કાર હંકારીને એક જ પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને આધારે આરોપીને છ મહિનાની કેદની સજાનો હુકમ કર્યો હતો.

આ કેસની મળતી વિગત મુજબ, ગત ૨૭ માર્ચ ૨૦૨૩ના રોજ બપોરે વિશાલ નાથાલાલ પરમાર તેમની પત્ની કાજલબેન અને પુત્ર આરવીક સાથે મોટરસાયકલ પર સધી માતાના મંદિર તરફથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મોટેરા કોટેશ્વર જી.ઈ.બી. શાખા એસ.બી.આઈ. બેંક પાસેના ચાર રસ્તા પર યશ કિશોરભાઈ રામચંદાણીએ પોતાની બલેનો કાર પુરઝડપે હંકારી વિશાલના મોટરસાયકલને સાઈડમાં પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માત એટલો જોરદાર હતો કે મોટરસાયકલ સવાર દંપતી અને તેમનો માસૂમ પુત્ર રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી આરોપી સ્થળ પરથી નાસી છૂટયો હતો, જોકે બાદમાં તેને પકડવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એકતા કંવર ચંદ્રાવતની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ પુનિતા. એચ ત્રિવેદી દ્વારા પંચનામું, મેડિકલ સટફિકેટ અને સાક્ષીઓની જુબાની સહિતના વિવિધ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપીએ જાહેર રસ્તા પર લોકોની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી વાહન હંકારીને ગંભીર ગુનો કર્યો છે. અંતે, કોર્ટે આરોપી યશ કિશોરભાઈ રામચંદાણીને છ મહિનાની સજાનો હુકમ કર્યો હતો.