વડોદરાઃ વડોદરામાં પ્રેમ પ્રકરણ,રૃપિયાની લાલચ અને પાર્કિંગ જેવી બાબતે માત્ર ૭૫ જેટલા દિવસમાં ઘાતકી હત્યાના છ બનાવ ચિંતાનો વિષય બન્યા છે.
પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી
તા.૧૬મી નવેમ્બરની રાતે તાંદલજાના મહાબલીપુરમમાં બાળકીને માર મારનાર પતિ કાસીમને પત્નીએ કડવા વેણ સંભળાવતાં તેણે ગળું દબાવી પત્ની મિસબા શેખની હત્યા કરી હતી.
પ્રેમી સાથે પત્નીએ પતિને ઊંઘમાં પતાવી દીધો
તા.૧૭ નવેમ્બરની રાતે તાંદલજાના ચોતરાવાળા ફળિયામાં રહેતી ગુલબાનો બંજારાએ મુંબઇના પ્રેમી તૌફિકની સાથે પતિની હત્યા કરી હતી.પતિને ઘેનયુક્ત દવા વાળું દૂધ પીવડાવી ગળે ટૂંપો દઇ દીધો હતો.
૪૦ લાખનો વીમો પકવવા સગી બહેનની હત્યા કરાવી
તા.૧૦મી ડિસેમ્બરે અંકોડિયાની સીમમાંથી ગોરવાની આમ્રપાલી સો.માં રહેતી અજીઝાબાનુ દિવાનની લાશ મળી હતી.જેની તપાસ દરમિયાન તેની મોટી બહેન ફિરોજાબાનુ દિવાને ૪૦ લાખનો વીમો પકવવા મિત્ર રમીઝરાજા શેખ પાસે કાવત્રુ ઘડીને ગળે ટૂંપો દઇ હત્યા કરાવી હોવાની વિગતો ખૂલી હતી.
મંગેતરનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો
તા.૨૯ ડિસેમ્બરે પ્રતાપનગર રેલવે કોલોનીમાં સચિન રાઠવાનું શંકાસ્પદ મોત થયું હતું.જેની તપાસમાં રેલવેમાં નોકરી કરતી ેમંગેતર રેખા રાઠવાએ રાત્રે ગળું દબાવી હત્યા કરી હોવાની વિગતો બહાર આવી હતી.
પાર્કિંગના મુદ્દે જાળી સાથે માથું અફાળી હત્યા
તા.૧૪મી જાન્યુઆરીએ મકરપુરાના શિવશક્તિનગરમાં પાર્કિંગના મુદ્દે તકરાર થયા બાદ મનુ યાદવ,સુભાષ અને રાહુલ યાદવે અનુપ પટેલની જાળી સાથે માથું અફાળી અને ઢોર માર મારી હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો.
જ્યારે,ગઇરાત્રે પાણીગેટ વિસ્તારમાં લગ્નેત્તર સબંધોમાં મહંમદ હુસેનની વિશાલ કહારે હત્યા કરી હતી.


