વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વિવિધ વિભાગોમાં નિયમિત હેડની નિમણૂકની સાથે સાથે વાઈસ ચાન્સેલરે હવે એક સાથે ૬ ફેકલ્ટીઓમાં નિયમિત ડીનોની પણ નિમણૂક કરી છે.આ તમામ નિમણૂંકોમાં સિનિયોરિટીને ધ્યાનમાં લેવાઈ છે.એટલે કે જે-તે ફેકલ્ટીમાં સૌથી સિનિયર પ્રોફેસરને ડીન બનાવાયા છે.
હેડની સાથે ડીનોની નિમણૂક થશે તેવી અટકળો છેલ્લા કેટલાય વખતથી ચાલી રહી હતી.જે સાચી પડી છે.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીની સાથે સાથે ફાઈન આર્ટસ, મેનેજમેન્ટ, સાયન્સ, ટેકનોલોજી અને એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીઓમાં નિયમિત ડીનની પાંચ વર્ષ માટે નિમણૂકની જાહેરાત કરાઈ છે.હવે હોમસાયન્સ, ફાર્મસી, આર્ટસ જેવી ફેકલ્ટીઓમાં નિયમિત ડીનની નિમણૂક બાકી રહી છે.સાથે સાથે પોલીટેકનિક અને પાદરા કોલેજમાં પણ નિયમિત પ્રિન્સિપાલની નિમણૂક વાઈસ ચાન્સેલરના એજન્ડામાં હોવાનું મનાઈ રહ્યું છે.
જોકે હેડની નિમણૂકના પહેલા રાઉન્ડમાં ૨૫ જેટલા હેડની નિમણૂક કર્યા બાદ અન્ય હેડની નિમણૂકની પ્રક્રિયા આગળ વધી રહી નથી.હજી પણ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના ૬૦ જેટલા વિભાગોમાં નિયમિત હેડની નિમણૂંકો બાકી છે.તેમાં પણ ૧૯ વિભાગો તો આર્ટસ ફેકલ્ટીના છે.આર્ટસ ફેકલ્ટીમાં સર્જાયેલા મતભેદોના કારણે નિમણૂકો અટકી હોવાનું કહેવાઈ રહ્યું છે.
કઈ ફેકલ્ટીમાં કોને ડીન બનાવાયા
કોમર્સ પ્રો. પ્રજ્ઞોશ શાહ
મેનેજમેન્ટ પ્રો.સુનિતા શર્મા
સાયન્સ પ્રો.કલમકર
ટેકનોલોજી પ્રો.ધનેશ પટેલ
એજ્યુકેશન પ્રો.આશુતોષ બિશ્વાલ


