નવરાત્રી પર્વ આડે છ દિવસ બાકી , અમદાવાદમાં માત્ર નવ આયોજકોની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી
આયોજકોએ ગાઈડલાઈનનો અમલ કરશે એ મુજબનું બાંહેધરી પત્ર આપવુ પડશે
અમદાવાદ,સોમવાર,15 સપ્ટેમબર,2025
૨૩ સપ્ટેમબરને સોમવારથી નવરાત્રી પર્વની શરુઆત થઈ રહી છે.
પર્વ શરુ થવાના આડે છ દિવસ બાકી રહયા છે. આમ છતાં અમદાવાદમાં ગરબા યોજવા માત્ર નવ
આયોજકોએ ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા ફાયર વિભાગમાં અરજી કરી છે.ઓનલાઈન અરજી કર્યા પછી પણ ગરબા યોજવા સંદર્ભમાં બહાર
પાડવામાં આવેલી ગાઈડલાઈનના અમલને લઈ આયોજકોમાં મૂંઝવણમાં જોવા મળી રહી છે.આ પાછળનુ
કારણ એ છે કે, આયોજકો
પાસેથી ૩૦૦ રુપિયાના બોન્ડ ઉપર ગાઈડલાઈનનુ ચુસ્ત પાલન કરવા બાંહેધરી પત્ર લેવામાં
આવશે.
અમદાવાદમાં પાર્ટી પ્લોટ કે અન્ય સ્થળોએ ગરબા આયોજિત કરવા
માંગતા આયોજકો માટે ફાયર વિભાગ દ્વારા ૩૨ મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર
બહાર પાડવામાં આવી છે.નવી માર્ગદર્શિકા મુજબ,
ગરબા આયોજકે ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.અરજી
કર્યા પછી ઈવેન્ટ શરૃ થવાના ત્રણ દિવસ પહેલા તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન
ખાતે જમા કરાવવાની રહેશે.ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગેરેએ કહયુ, ૧૫ સપ્ટેમબર-૨૫ની
સાંજ સુધીમાં વિવિધ વિસ્તારમાં ગરબા આયોજિત કરવા
ફાયર સેફટી સર્ટીફિકેટ મેળવવા ઓનલાઈન નવ અરજી મળી છે. આ અરજીઓ અંગે ફાયર
વિભાગની અલગ અલગ ટીમો સ્થળ તપાસ કરશે. સ્થળ તપાસ દરમિયાન અરજી કરનાર જે તે આયોજક
દ્વારા એસ.ઓ.પી. મુજબ તમામ બાબતોનુ પાલન કર્યુ છે કે કેમ તે અંગેની ચોકસાઈ કર્યા
પછી ગરબા યોજવા માટે ફાયર સેફટી સર્ટીફિકેટ આપવામા આવશે.
આયોજકોને ફાયર સેફટી સર્ટીફિકેટ મેળવવા ઓનલાઈન અરજી કરવાની
સાથે પોલીસ, ટ્રાફિક
વિભાગ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગોની પણ જરુરી મંજૂરી લેવાની
હોવાથી ઓછા સમયની અંદર જરુરી તમામ મંજૂરી મેળવી ગરબા યોજવા મુશ્કેલ બને તેમ છે.