Gujarat

વ્હેલ માછલીની ઊલટી વેચવા ફરતા છ શખ્સોની ધરપકડ

By GS TEAM
25 Jun 20252 mins read
વ્હેલ માછલીની ઊલટી વેચવા ફરતા છ શખ્સોની ધરપકડ

વડોદરા, તા.25 વન્ય જીવન સંરક્ષણ હેઠળ સુરક્ષિત વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ) સાથે વડોદરાના અટલાદરા વિસ્તારમાંથી અડધો ડઝન શખ્સોને કાર સાથે ઝડપી પાડી રૃા.૧.૬૫ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક બીલ કેનાલ પાસે ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાંક શખ્સો વડોદરા પાસિંગની કારમાં વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ) નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવા માટે ફરે છે તેવી માહિતી ઝોન૦૨ના એલસીબી સ્ટાફને મળતાં આરએફઓ અને એફએસએલને સાથે રાખી સ્થળ પર દરોડો પાડતાં છ શખ્સો વ્હેલ માછલીની ઊલટી સાથે ઝડપાઇ ગયા હતાં.

પોલીસે તેઓની પાસેથી રૃા.૧.૫૮ કરોડ કિંમતની વ્હેલ માછલીની ઊલટી, છ મોબાઇલ અને કાર મળી કુલ રૃા.૧.૬૫ કરોડનો મુદ્દામાલ કબજે કરી તમામની પૂછપરછ હાથ ધરી છે. વ્હેલ માછલીની ઊલટી ક્યાંથી લાવ્યા અને કોને આપવાની હતી તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં  રહેતો વ્રજ દવે નામનો શખ્સ વ્હેલ માછલીની ઊલટી ખાત્રી કરવા માટે આપી ગયો હતો અને પોલીસની રેડ દરમિયાન તે ફરાર થઇ ગયો છે.


ધરપકડ કરેલા શખ્શોના નામો

- સુરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચાવડા (રહે.પરમ ક્રેસ્ટ, અટલાદરા, બીલ-કેનાલરોડ)

- ગૌતમ અર્જુન વસાવા (રહે.શારદા ડુપ્લેક્સ, કલાદર્શન ચાર રસ્તા, વાઘોડિયારોડ)

- દિપક ભીખાભાઇ રબારી (રહે.ભાથુજી મંદિર ફળિયું, વ્હોરા ગામ, તા.તિલકવાડા, જિલ્લો નર્મદા)

- સિધ્ધાર્થ ઉર્ફે સન્ની શનાભાઇ તડવી (રહે.મહેશનગર, સોમાતળાવ પાસે)

- રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણ ભરવાડ (રહે.ભરવાડવાસ, સંતોષીમાતા મંદિર પાસે, દંતેશ્વર)

- સુરજસિંગ સુરજીતસિંગ કાબોજ (રહે.શ્યામલ હાઇટ્સ, વાઘોડિયારોડ)