સાડા છ દસક જૂનો ભોગાવો પુલ ટેસ્ટીંગ માટે બંધ કરાયો
- ફેદરા-બગોદરા હાઈ વે પર ગુંદી ફાટક નજીક આવેલો
- ભોગાવો પુલ જેવા હજુ પણ અનેક બ્રિજ પણ જોખમી હાલતમાં, તંત્ર ક્યારે જાગશે ?
આ પગલું ગંભીરા પુલ ધરાશાયી થયાની ઘટના બાદ બ્રિજોના સ્ટ્રક્ચરલ સર્વેના ભાગરૂપે લેવામાં આવ્યું છે. બ્રિજની જર્જરિત સ્થિતિને ધ્યાનમાં લઈને તેને ટેસ્ટિંગ માટે હાલના હાલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જાહેર સુરક્ષા માટે યોગ્ય પગલું છે, પરંતુ ગંભીર પ્રશ્ન એ છે કે આવા કેટલાય પુલ ગુજરાતમાં છે, જેમની સ્થિતિ જોખમી બની ગઈ છ, છતાં હાલ ચલાવવામાં આવી રહ્યા છે. દુર્ભાગ્યવશ, કોઈ મોટી દુર્ઘટના બને પછી જ તંત્ર જાગે છે, જે લોકોના જીવ સાથે ચેડાં સમાન છે.
હવે લોકમાંગ છે કે, તમામ ૩૦ વર્ષથી જૂના બ્રિજોની તાત્કાલિક તટસ્થ તપાસ કરવામાં આવે. સાથે સાથે જોખમી બ્રિજોને તાત્કાલિક બંધ કરીને વૈકલ્પિક વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવે. નિયમિત મેન્ટેનન્સ અને ઓડિટ માટે બ્રિજ મોનીટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવે તેમજ આના માટે જવાબદારી નક્કી થવી જોઈએ.
ધંધુકા : નર્મદા કેનાલ પરનો બ્રિજ પણ જર્જરિત
ધંધુકા વિસ્તારમાં નર્મદા કેનાલ પર આવેલ બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે. આવી જગ્યાએ દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે. કોઈ પણ સમયે અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી. મળતી માહિતી મુજબ આવા પુલોના મેન્ટેનન્સની કામગીરી વર્ષોથી યોગ્ય રીતે નથી થતી.