Gujarat

આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ

By GS TEAM
9 Nov 20252 mins read
આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ

- જિલ્લામાં વરસાદથી 82 હજાર હેક્ટરમાં પાકને નુકસાન થયાનો સર્વે 

- તારાપુર, ખંભાત, પેટલાદ તાલુકામાં સૌથી વધુ ડાંગરના પાકને નુકસાન : સહાય પેકેજના માપદંડને લઇ કચવાટ 

આણંદ : આણંદ જિલ્લામાં કમોસમી વરસાદથી સૌથી વધુ ડાંગર, કેળ સહિતના ખરીફ પાકને ૮૨ હજાર હેક્ટરમાં નુકસાન થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. જોકે, સરકારે શુક્રવારે ૧૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જિલ્લામાં બે હેક્ટરથી વધુ જમીન ધરાવતા ૨૩,૨૭૦ ખેડૂત ખાતેદારો છે. આ ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ ઉભી થઇ છે. બીજી તરફ રાહત પેકેજના માપદંડોને લઇ ખેડૂતોમાં કચવાટ ફેલાયો છે. 

સરકારે વરસાદથી થયેલા નુકસાન માટે ૧૦ હજાર કરોડની સહાય જાહેર કરી છે. જેમાં હેક્ટર દીઠ ૧૮થી ૨૨ હજાર સહાય મળે તેવી સંભાવના છે. હવે નુકસાન થયું હોય તેવા ખેડૂતોના ફોર્મ ભરવામાં આવશે અને બાદમાં ચકાસણી કર્યા પછી સહાય ચૂકવવામાં આવશે. તેમ આણંદ જિલ્લાના ખેતીવાડી વિભાગે જણાવ્યુ છે. 

આણંદ જિલ્લામાં સૌથી વધુ ખંભાત, તારાપુર અને પેટલાદ તાલુકામાં ડાંગરના પાકને નુકસાન થયું છે. જયારે બોરસદ, આણંદ, આંકલાવ તાલુકામાં ડાંગર, તમાકુ અને કેળના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.  ભાલ પંથકના ખેડૂતોના જણાવ્યા મુજબ, બે હેક્ટરથી વધુ જમીનો ધરાવતા ખેડૂતો છે. જેમણે ઓછામાં ઓછા ૨૦થી ૫૦ હેક્ટર સુધીની જમીનમાં ડાંગરનનો પાકનું વાવેતર કર્યું હતું. જે તમામ પાકનો વરસાદમાં સોથ વળ્યો છે. ડાંગરના પાકમાં રોપણી સહિત માટે ૨૦ હજારનો ખર્ચ થાય છે. જેની સામયે સરકારની જાહેરાત મુજબ મામુલી સહાય આપવાની જાહેરાત કરી છે. જેથી ખેડૂતોને  નુકસાન થવાની ભય ફેલાયો છે.